આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

વૃદ્ધ રાજાએ પ્રાણ છોડ્યા. દશરથ ગયા પણ અન્તકાળે રામનું રટણ કરવાનો પાઠ ભારતવર્ષને શિખવતા ગયા. જે પોતાને મુખેથી મરણકાળે દશરથના જેટલી જ આર્તિથી રામનું રટણ કરતાં પ્રાણ છોડે તે મહા ભાગ્યશાળી મનાય છે.

ત્રણ
રાણીઓની
દશા

બીચારાં કૌસલ્યા અને સુમિત્રાને પતિ-પુત્ર બન્નેનો સાથે વિયોગ થયો. કૈકેયીને દશરથ પર પ્રેમ ન હતો એમ નહિ, પણ હજી એનો રાજ્યપ્રાપ્તિ માટેનો મોહ ઉતર્યો ન હતો, અને એ મોહે એની બુદ્ધિ અને શુભ ભાવનાઓને દાબી નાંખી હતી. તેથી વૈધવ્ય પ્રાપ્ત થતાં તેને ઝાઝું દુ:ખ થયું નહિ.

દશરથના મરણ પછીની વ્યવસ્થા વસિષ્ઠને માથે આવી પડી. એણે તરત જ ભરતને તેડાવવા દૂત મોકલ્યો, પણ અયોધ્યાના કશા ખબર ન કહેવા એને સૂચના કરી; કારણ કે કૈકેયીના પિતાના કુળમાં કન્યાવિક્રયનો રિવાજ હતો, અને તેથી આ સંધિ જોઇને એનો પિતા દિકરીનું રાજ્ય પચાવવા હલ્લો કરે એવો સંભવ હતો.

૨૦