આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

હશે જ એમ માની લઈ કૌસલ્યાએ ભરતને કઠોર વચન કહ્યાં. ત્યારે તે મહાત્મા મોટા સંતાપ અને આવેશથી બોલ્યો : "માતા, જો હું નિષ્પાપ ન હોઉં, જો મને આમાંનું કાંઇ પણ ખબર હોય, જો મારી સમ્મતિથી રામ વનવાસ ગયા હોય, તો હું લોકોના ગુલામનો ગુલામ થાઉં; તો મને સુઇ ગયેલી ગાયને લાત માર્યા બરાબર પાપ લાગો; છઠ્ઠા ભાગથી અધિક કર લેતાં છતાં પ્રજાનું પાલન ન કરનારા રાજાને જે પાપ લાગે છે તે મને લાગો." આવા ભીષણ શપથ લઇ ભરત દુ:ખથી જમીન પર ફસડાઇ પડ્યો. ક્રોધરહિત થયેલી કૌસલ્યાએ મધુર વચને તેનું સાન્વન કર્યું.

રાજ્યનો
અસ્વીકાર

બીજે દિવસે વસિષ્ઠે ભરતની પાસે દશરથની પ્રેતક્રિયા યથાવિધિ કરાવી. સર્વ પ્રજાગણે ભરતને મુકુટ ધારણ કરવા વિનંતિ કરી, પણ ભરતે દૃઢતાથી ઉત્તર આપ્યો :" રામ અમારા સર્વેમાં વડિલ છે; તે જ આપણા રાજા થશે. માતાએ પાપ કરી મેળવેલું રાજ્ય હું લેવાનો નથી. હું હમણાં જ વનમાં જઈ મારા પ્રિય બન્ધુને પાછો લાવીશ."

૨૨