આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

અગ્નિની પ્રદક્ષિણા કરી બન્નેએ એકબીજાને વફાદાર રહેવાની અને મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી સીતાએ નાંખેલા જે અલંકારો પોતાના હાથમાં આવ્યા હતા તે સુગ્રીવે બે ભાઇઓને બતાવ્યા. રામે એ ઓળખી લીધા, પણ વિશેષ ખાત્રી કરવા લક્ષ્મણને પૂછ્યું. લક્ષ્મણે કહ્યું, "હું આ કડું કે કુંડળ ઓળખી શકતો નથી. ફકત આ પગનાં નુપૂર મારાં ઓળખીતાં છે, કારણકે રોજ હું સીતાને પગે પડતો ત્યારે તે મારી દૃષ્ટિ એ પડતાં."

સુગ્રીવની મદદ રામને મળે તે પહેલાં સુગ્રીવને વાલીનું કટક દૂર થવું જોઇયે. તેથી રામે વાલીને મારવાની પ્રતિજ્ઞા કરી. પણ એ પ્રતિજ્ઞાથી સુગ્રીવને ખાત્રી થઈ નહિ. એને વાલીના બળની બહુ ધાસ્તી હતી. એણે રામને વાલીનું બળ વર્ણવી બતાવ્યું અને પૂરતો વિચાર કરીને પ્રતિજ્ઞા લેવા કહ્યું. રામે એની ખાત્રી કરાવવા માટે હાડકાંના એક મોટા ઢગલાને પગના અંગૂઠાના હડસેલાથી દૂર ઉડાડી મૂક્યો. આથી પણ સુગ્રીવને ખાત્રી થઈ નહિ, એટલે રામે એક જ બાણથી શાલનાં વૃક્ષોને ઉડાડી મૂક્યાં આથી સુગ્રીવને રામના બળની ખાત્રી થઈ.

૪૦