આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

ન્યાય છે ? મેં તમારા રાજ્ય કિંવા નગરમાં આવી તમારો કાંઇ પણ અપરાધ કર્યો નથી. પાછળથી ભરાઇ રહીને શત્રપ્રહાર કરવો, કિંવા પોતાની સાથે યુદ્ધ ન કરનારને મારવો, એવું અધમકૃત્ય કરી તમે સજ્જનોમાં શું મોઢું બતાવશો ? હશે, જે થયું તે થયું. મારી પાછળ સુગ્રીવને ગાદીએ બેસાડજો. તમારૂં આ કૃત્ય નિંદ્ય છે, તથાપિ મારી પાછળ સુગ્રીવને ગાદી મળે એ વાજબી છે."

આ ઠપકાના જવાબમાં રામે કહ્યું : "ધર્માચરણ કાયમ રાખવા હું પૃથ્વી ઉપર ફરૂં છું. હાલ તું કામાન્ધ થઇ ધર્માચરણનો ત્યાગ કરી નિંદ્ય કર્મ કરતો હતો. બાપ, જ્યેષ્ઠ બન્ધુ અને ગુરુ એ ત્રણે પિતાને ઠેકાણે છે; પુત્ર, નાનો ભાઇ અને શિષ્ય એ ત્રણ પુત્રસ્થાને છે. તેં સજ્જનોનો ધર્મ છોડી પૂત્રવધૂ સમાન સુગ્રીવની સ્ત્રી સાથે અધર્મ કર્યો છે. તેને માટે તને મૃત્યુ સિવાય બીજી શિક્ષા યોગ્ય નથી. તને છુપાઇને મારવાનું કારણ એ જે કે તું વનચર પ્રાણી છે, અને મૃગયાના નિયમ પ્રમાણે ધર્મિષ્ઠ રાજાઓ પણ પ્રાણીઓને સંતાઈ રહીને, અથવા કપટથી ફસાવીને પણ મારે છે; માટે તેમ કરવામાં મેં કશો અધર્મ કર્યો નથી."

૪૨