આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કિષ્કિન્ધાકાણ્ડ

.


વાલી અને સુગ્રીવ જેવા બુદ્ધિયુક્ત પ્રાણીને વનચર પશુઓની હારમાં ગણવા એ આજે કદાચ આપણને ગળે ન ઉતરે. પણ જે વખતે આ બનાવ બન્યો તે વખતના વિચારી મનુષ્યોની આવી જાતિ વિષે જે કલ્પના હોય તે ઉપરથી જ આપણે રામના આ કર્મની ન્યાયાન્યાયતાનો વિચાર કરી શકીયે. સ્પષ્ટ માલમ પડે છે કે વાલ્મીકિને રામનું આ કૃત્ય એટલું મૃગયા જેવું ન લાગ્યું કે એ ઉપર શંકા જ ન ઉઠાવે; પણ એકંદરે જોતાં એને એ અયોગ્ય પણ ન લાગ્યું. તેથી એણે એનો બચાવ પણ કર્યો. વાલ્મીકિને પણ તે દિવસે શંકા ઉઠી, એ ઉપરથી આજે એ વિચારનો પ્રવાહ કઈ દિશામાં જવો જોઇયે એની સૂચના મળે છે.

વાલી વીરને છાજે એવી રીતે મૃત્યુને શરણ થયો. મરતાં પહેલાં એણે સુગ્રીવના ગળામાં પોતાની માળા ઘાલી, અને પોતાના પુત્ર અંગદની સંભાળ લેવા જણાવ્યું. રામે અંગદને યુવરાજપદે સ્થાપવા સુગ્રીવને આજ્ઞા કરી. વાલી વીર પુરુષ હતો. એના મરણથી રામ-લક્ષ્મણને દુ:ખ થયું. સુગ્રીવ અને બીજા વાનરોએ પણ શોક કર્યો.
૪૩