આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધકાણ્ડ

.

અજિત ગણાતો હતો, અને બાર વર્ષ જાગરણ કરી બ્રહ્મચર્ય પાળનાર પુરુષ જ એને મારી શકે એવું એણે વરદાન મેળવ્યું હતું, પણ તે લક્ષ્મણને હાથે માર્યો ગયો. રાવણને પોતાને હવે લડાઇમાં ઉતરવું પડ્યું. એણે એક તીક્ષ્ણ શક્તિ લક્ષ્મણના ઉપર ફેંકી. તે એની છાતીમાં પેસી ગઇ અને એ મૂર્છા ખાઈ પડ્યો. આથી રામ બહુ હતાશ થયા. પણ હનુમાનના પરાક્રમથી સંજીવની નામે ઔષધિથી તેનું શલ્ય નીકળી ગયું, અને પાછો સચેત થયો. લક્ષ્મણ સજીવન થયા જાણી રાવણનો ક્રોધ વધ્યો. "હું મરૂં પણ સીતાને તો રામના હાથમાં ન જ જવા દઉં" એમ કહી એ સીતાને મારવા દોડ્યો. પણ આટલા પાપમાં સ્ત્રીહત્યાનું પાપ ન વધારવા એના સચિવે રાવણને સમજાવ્યો, અને તેથી એ વળી પાછો રામની સામે લડવા આવી ઉભો. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. છેવટે રાવણની નાભિમાં રામે એક અચુક બાણ માર્યું, અને તેની સાથે જ રાવણનું શરીર રણ પર મડદું થઈ પડ્યું. આ રીતે રાજ્યલોભી, ગર્વિષ્ઠ અને કામાન્ધ રાજાએ પોતાના અન્યાય અને અધર્મની શિક્ષા સહન કરી.
૫૩