આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધકાણ્ડ

.

ગાયો અને સો ગામ ઇનામમાં આપ્યાં. શહેરમાં તુર્ત જ સન્દેશો મોકલી દીધો, અને રામને આવકાર આપવા ધામધુમ મચી. એ દિવસ અયોધ્યાના રાજ્યમાં દિવાળીનો થયો. રાજા-પ્રજા, માતા-પુત્ર, સાસુ-વહુ, ભાઇ-ભાઇ, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની અને સ્નેહી-સ્નેહીઓનો આજે મેળાપ થવાનો હતો. ચૌદ વર્ષ અપાર દુ:ખ વેઠ્યા પછી આનંદનો દિવસ આવ્યો તેનો મહોત્સવ અવર્ણનીય થયો. "રાજા રામચંદ્રની જય" એવી ગર્જના જે તે દિવસે ઊઠી તે હજી સુધી શમી નથી. તે જ દિવસે વસિષ્ઠે રામચંદ્રનો રાજ્યાભિષેક કર્યો. રામે સુગ્રીવ, વિભીષણ, જામ્બુવાન, હનુમાન વગેરે સર્વે પરોણાઓને પુષ્કળ રત્નાલંકાર આપ્યા. સીતાએ પોતાનો મોતીનો હાર મારુતિના ગળામાં પહેરાવ્યો અને એનો જયજયકાર કરાવ્યો. એનાં નૈષ્ઠિક બ્રહ્મચર્યના ફળ સ્વરૂપ એનાં બળ, બુદ્ધિ, તેજ , ધૈર્ય, વિનય અને પરાક્રમથી જ સીતાને સ્વાતંત્ર્ય મળ્યું હતું. ત્યારથી રામ,લક્ષ્મણ અને સીતા સાથે હનુમાનનું નામ પણ અમર થયું.

પછી શ્રી રામચંદ્રે એવી ઉત્તમ રીતે રાજ્ય કર્યું કે સર્વે પ્રજા સુખ અને આનંદમાં રહેવા લાગી.
૫૯