આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

સભામાં ગયા. સભામાં એક દૂત નગરચર્ચા કરી તરત જ આવ્યો હતો. લોકો પોતાને વિષે શું બોલે છે, એ વિષે રામે તેને સહજ પ્રશ્ન પૂછ્યો. તે હાથ જોડી બોલ્યો કે લોકો એમનાં પરાક્રમનાં ઘણાં વખાણ કરતા હતા. સમુદ્ર પર સેતુ બાંધવાનું એમનું કાર્ય, રાવણ અને કુમ્ભકર્ણ જેવા રાક્ષસોનો વધ, વાનરો અને રીંછો સાથે મૈત્રી કરવાની કુશળતા વગેરેથી લોકો આશ્ચર્યચકિત થતા હતા. પણ રાવણના ઘેર એક વર્ષ સુધી કેદ રહેલી સીતાને છોડાવી પાછી તેને રામે અંગીકાર કરી તેથી લોકો તેમને દોષ દેતા હતા, અને એમ પણ કહેતા હતા કે જ્યારે રામે પોતે આ પ્રમાણે કર્યું તો પ્રજાને તેમ કરવામાં શી હરકત છે ?

દૂતનાં આવાં વચનો સાંભળી રામચંદ્રને ઘણું દુ:ખ થયું. સભા બરખાસ્ત કરી અને લાંબો વખત સુધી એકાન્તમાં બેસી એમણે વિચાર કર્યો. પછી કાંઇક નિશ્ચય ઉપર આવી તેમણે પોતાના ભાઇઓને તેડાવી મંગાવ્યા. ભાઇઓને લોકાપવાદ સંભળાવી કહ્યું : "સત્કીર્તિને માટે હું તમારો પણ ત્યાગ કરતાં અચકાઉં નહિ, તો સીતાની તો શી જ વાત ? માટે લક્ષ્મણ, કાલે સવારે સીતાને

૬૨