આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાણ્ડ

.

રથમાં બેસાડી ગંગાપાર તમસા નદીને કિનારે વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે અરણ્યમાં મુકી આવ. સીતાએ ત્યાં જવાની ઈચ્છા દર્શાવી છે, એટલે તે ખુશીથી આવશે."

બીચારા લક્ષ્મણ શોકાતુર ચહેરે અને રડતી આંખે બીજે દિવસે સવારે શંકા વિનાની સીતાને રથમાં બેસાડી વાલ્મીકિના આશ્રમ તરફ ચાલ્યા. એ પ્રદેશમાં પહોંચતાં જ લક્ષ્મણે સીતાને સાષ્ટાંગ દંડવત કર્યા અને હાથ જોડ્યા. એ બોલવા ગયા, પણ 'હે સીતા માતા' એટલું જ બોલી શક્યા. એનો સાદ બેસી ગયો. સીતા એના શોકનું કારણ વારે વારે પૂછવા લાગ્યા, ત્યારે ઘણા કષ્ટે તેણે રામની આજ્ઞા સીતાને જણાવી. બન્ને જણાએ અરણ્યમાં પુષ્કળ વખત સુધી શોક કર્યો. અન્તે સીતાએ ધૈર્ય પકડી લક્ષ્મણને વિદાય કર્યા. તેણે કહાવ્યું : "સર્વે સાસુને મારા પ્રણામ કહેજો, અને તે પરમ ધાર્મિક રાજાને મારી તરફથી સન્દેશો કહેજો કે 'મહારાજ, સર્વ લોકો સમક્ષ મેં અગ્નિમાં પડી મારી શુદ્ધિ સાબીત કરી આપી, તે છતાં લોકાપવાદની બ્હીકથી તમે મારો ત્યાગ કર્યો તો તે મને સર્વથા કબુલ છે.લોકાપવાદથી સત્કીર્તિને કલંક લાગે નહિ, એ
૬૩