આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

સેવન આવી જાય. આગળ ઉપર મંત્રસિદ્ધિમાં લોકોની શ્રદ્ધા વધતી ગઇ ત્યારે ગુરુના મંત્રનું અનુષ્ઠાન, અથવા દેવોની ઉપાસના પણ તપશ્ચર્યામાં સમાયાં. અનન્ય ઉપાસના અથવા ચિન્તનમાં ઇન્દ્રિયોનો સંયમ અને વિષયોનો ત્યાગ તો આવશ્યક હોય જ; પણ જેમ જેમ સાધક ઉપાસનામાં લીન થતો જાય, તેમ તેમ સ્વાભાવિકપણે ક્યારેક એવી સ્થિતિ આવે કે જે સમયે ખાવાપીવાનું ભાન ન રહે અને ટાઢતડકા તરફ દુર્લક્ષ્ય થાય. એવા એકાગ્ર ચિન્તનમાંથી સંકલ્પોની સિદ્ધિ સર્વત્ર થાય છે. એ ભૂલી ગયા ત્યારે જબરદસ્તીથી છોડેલા આહાર અને સહન કરેલાં ટાઢતડકો તપશ્ચર્યા રૂપે મનાયાં. અતિશય વિચાર, વિવેક, ચિંતન એ જ શ્રેષ્ઠ તપ છે. એ ચિંતન દેહભાન ભુલાવે તે ઇષ્ટ જ છે. ગીતા અ.૧૮, શ્લો.૧૪ થી ૧૬માં આ ત્રણ પ્રકારનું તપ કહ્યું છે તે વિચારવું.

યુદ્ધકાણ્ડ

પૃ.૫૩,લી.૧૮-૧૯: વિભીષણનું આવી મળવું - 'ઘર ફુટે ઘર જાય' એ કહેવત ખરી, અને વિભીષણના ઉપર બન્ધુદ્રોહનો આરોપ પણ મુકવામાં આવે છે. પણ જો એક માણસને પોતાના ભાઇનો પક્ષ અન્યાયયુક્ત લાગતો હોય, અને તેને વારવાનો પ્રયત્ન નિષ્ફળ જાય તો એનું કર્તવ્ય શું? અન્યાયી પક્ષ સાથે કામ કરવું એ ચિત્તની ચોખ્ખી અપ્રમાણિકતા જ થાય. તટસ્થ રહેવું તેમાં પણ ચિત્તની

૭૮