બત્રીસ લખણો પુરૂષ હોમ્યો, ઇંદ્રજીત મહા ભાગ;
રાવણ શ્રીફળ પુરણાહુતિ, મહા પૂરણ કીધો યાગ. ૧૦
ક્રોધ અગ્નિ જાનકી જ્વાળા, પવન લક્ષ્મણ વીર;
રણયજ્ઞ શ્રી રામે કીધો, સમુદ્ર પેલી તીર. ૧૧
વલણ
સમુદ્ર પેલી તીરરે જઈ, યુદ્ધ કીધું શ્રી રામરે;
ભટ પ્રેમાનંદ કહે કથા, રણયજ્ઞ ધરીયું નામરે. ૧૨
કડવું ૨ જુંં
રાગ સારંગની ચોપાઈ
સેના ઉતારી સાગર પાર, છે વાનર યોદ્ધા પદ્મ અઢાર.
સેનાપતિ કીધો નલ કપિ, ક્રોધે શરીર રહ્યાં છે તપી. ૧
બોલ્યા વાનર કરી વિનંતી, યુધ આજ્ઞા કીજે રઘુપતિ.
નલ નીલ અંગદ સુગ્રીવ શૂર, તે સંગ્રામ કરવા છે આતુર. ૨
લક્ષ્મણ કહે સુનો શ્રીરંગ, લોહ સાંકળે બાંધ્યા માતંગ.
તેમ તમારી મર્યાદા સાંકળે, કપિ કુંજર બાંધ્યા છે બળે. ૩
છૂટ્યા હસ્તિ વન ભાજે જેમ, છૂટ્યા વાનર લંકા લેશે તેમ.
યુધ આજ્ઞા દીજે રઘુરાય, વિયોગ સીતાજીનો જાય. ૪
સાંભળી લક્ષ્મણનો પ્રતિબોધ, રામચંદ્રજીને દીપ્યો ક્રોધ.
કીધો ધનુષ્ય તણો ટંકાર, તે શબ્દે ઉધક્ડયો સંસાર. ૫
ડોલ્યા દિગજ કાંપ્યા દીગપાળ, ખળભળિયાં સાતે પાતાળ.
રાવણનું ડોલ્યું સિંહાસન, ધ્વજા છત્ર થયાં બે પતન. ૬
રાક્ષસીના થયા ગર્ભપાત, દારુણ વાયુ રુધિર વરસાત.
માન શુકન લંકામાં થાય, રોષે ભરાયા શ્રી રઘુરાય. ૭
પન્નગ પ્રત્યે બોલ્યા શ્રીરામ, ચોપાસે ઘેરો લંકા ગામ.