આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪: રસબિન્દુ
 

 જેને તમે સાર્વજનિક સ્થળ કહો ત્યાં અમને કોઈ ઊભા પણ ન રાખે.

ધર્મસ્થાનમાં અમારો પ્રવેશ નહિ.

ઈશ્વરનાં દર્શનનો અમને અધિકાર નહિ.

આ જુલ્મ ખરો ? તમે હા પાડો છો, નહિ ? પણ તમને એમ લાગે છે કે એવો જુલ્મ તો જર્મનો જ કરી શકે. પરમ દેશદ્રોહીની છાપ પામેલા યહુદીઓ સામે જર્મન આર્યનો આવી ક્રૂરતા વાપરે અને તેનો બચાવ પણ કરે.

હું તો તમારી નજર તળે નિત્ય થતા જુલ્મની મારી કથની કહું છું. જુલ્મ તો સ્વધર્મીઓ ઉપર થાય છે. જુલ્મ સહન કરીને પણ જુલ્મગારોને ધર્મને અમે વળગી રહીએ છીએ, અને દેશની આબાદીમાં ફાળો – સક્રિય ફાળો આપીએ છીએ.

અમે જુલ્મના ભોગ ! અમે કોણ તે નથી ઓળખતા ?

અમે અંત્યજો, અસ્પૃશ્યો, પેરિયાઓ ! જાનવર કરતાં પણ ઊતરતા અમને ગણવામાં આવે છે. જો વિવેક વાપરી અમને હવે કોઈ ‘હરિજન’ કહેવા લાગ્યા છે – શરમના માર્યા. અમે હિંદુ ધર્મનું કલંક !

અમારો પડછાયો પણ એટલો પતિત કે સ્નાન વગર પડછાયાસ્પર્શની પણ વિશુદ્ધિ થાય નહિ !

છતાં અમે અમને હિંદુ તરીકે ઓળખાવીએ – હિંદુઓ અમારાથી અભડાઈ જાય તો ય !

અમે એમની સંખ્યા વધારી, જીવતી માનવપ્રજા તરીકે ઓળખાવવામાં મદદ કરીએ, છતાં અમે અછૂત !

હજાર વર્ષથી હિંદુ ધર્મ પાળનાર હિંદુસ્તાન પરાધીન છે ! પવિત્ર હોવાનો દાવો કરી અમને અલગ કરનાર એ પ્રજાને મુસ્લિમોએ આ પરધર્મીઓની સત્તાનો અનુભવ કરાવ્યો ! એમને કુરનિસ થાય, પરંતુ અમે તો હડધૂત જ થવાના !

ફિરંગીઓએ આવી એ જ હિંદુઓને બંધનમાં જકડ્યા.