આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ : રસબિન્દુ
 


વીરાજીના મુખ ઉપર ક્રોધ છવાયો. ચંચળ ખડખડ હસી પડી. અને બોલી : ‘હસે છે ત્યારે નર્યો વનચર લાગે છે. પણ ગુસ્સે થાય છે ત્યારે કંઈક માણસ લાગે છે, ખરો ! અલ્યા, કોનું મોં વારસામાં ઊતર્યું: માનું કે બાપનું ?’

‘ચંચળ ! વધારે ઓછું ન બોલીશ, હો ! એ વાતમાં સાર નથી.’ વીરાજીએ મશ્કરીમાં ઊતરી પડેલી ચંચળને કહ્યું,

‘તારાથી થાય તે કરી નાખજે… પીટ્યો ક્યાંથી કોણ જાણે ભેગો થઈ ગયો છે ! ભૂતનો ભાઈ !’ કહી ચંચળ બાજુએ ફરી ભેગા કરેલા પૈસા ગણવા લાગી.

***

વીરાજી હારમોનિયમ વગાડતો અને ગાતો. ચંચળ પણ ગાતી અને વધારે પૈસા મળે તો નૃત્ય પણ કરતી. બંનેમાંથી કોઈને પોતાની નાતજાતની કે ગામની પૂરી ખબર ન હતી. ધર્મ, ન્યાત તથા જાતથી પર બનેલી રખડતી કોમનાં એ બંને જણ પોતાને વાઘરી તરીકે ઓળખાવતાં ; વધારે માણસો મળે તો તેમના સાથમાં, નહિ તો માત્ર એ બે એકલાં સાથે સાથે ગામેગામ ફરતાં; ગીત ગાઈ કે નૃત્ય કરી રસ્તામાં તથા શેરીઓમાં જતાઆવતા લોકોનું ધ્યાન ખેંચી દાણાં, કપડાં કે પૈસા જે મળે તે ઉઘરાવતાં; કોઈ ઉજ્જડ ઝૂંપડી, હવડ ધર્મશાળા કે અપૂજ દેવના દહેરામાં રાતવાસો કરતાં, અને તેની સગવડ ન મળે તો ઝાડ નીચે કે પછી ખુલ્લા આકાશ નીચે પડી રહી રાત ગાળી પ્રભાતથી પાછો પોતાનો કાર્યક્રમ શરૂ કરતાં.

કેટલાં ય વર્ષથી તેઓ આમ સાથે ફરતાં હતાં. ચંચળ છ સાત વર્ષની થઈ ત્યારથી એક કડક સ્ત્રીપુરુષ યુગલની સોબત, ગીત અને ઘુઘરિયાળા નૃત્યની અર્ધગામઠી તાલીમ, મારઝૂડ અને કદરૂપા વિરાજીનો નિત્યસાથ એના સ્મરણમાં આવ્યા કરતાં હતાં. વીરાજી લગભગ એના જેવડો જ હતો અને એ પણ ચંચળ સાથે ગીતવાદ્ય શીખતો હતો. એક દિવસ બંને જણ એકલાં પડ્યાં; એટલે હારમોનિયમ તથા ઘૂઘર લઈ નાસી બીજે ગામ ચાલ્યાં ગયાં; એમનાં