આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવવા લાગ્યો. વીરાજીનું સ્મરણ વીરાજીના દ્રશ્ય જેટલું કદરૂપું કેમ ન લાગ્યું ?

વીરાજીની ગેરહાજરીનું એક બીજું પણ પરિણામ આવ્યું. ચંચળની સાથે રહેવા, ફરવા, ગાવા તથા દિવસરાત ગુજારવા અનેક રખડતા યુવાનો તત્પર હતા; અને રખડતા ન હોય એવા યુવાનો – અયુવાનો પણ આતુર હતા એની પણ ચંચળને ખાતરી થઈ. વીરાજીની હાજરી ઘણા ઘણા રસિકોને મુંઝવણભરી થઈ પડતી હતી. અને ચંચળને વહેમ પણ આવ્યો કે વીરાજી પોતાના શારીરિક બળનો ઉપયોગ કરીને પણ ઘણા સમભાવી પુરુષોને દૂર રાખતો હોવો જોઈએ. વીરાજી ઘણી વાર માથું ફોડાવીને શા માટે આવતો તેની ચંચળને સમજણ પડી ગઈ.

ત્રણ દિવસ સુધી વિચિત્ર એકાંત અનુભવતી ચંચળે ચોથે દિવસે ક્રોધ અનુભવ્યો.

‘કોઈ વખત નહિ અને આ વખત આમ મને એકલી મૂકી ભાગ્યો? સારું થયું; પીડા પતી; એનું મોં જોવું મટ્યું !’

અને પાછળ ભમનારા મજૂરો, ગાડીવાન, પાનવાળા અને ગુંડાઓની પોતાની આસપાસ તેણે પાંચમે દિવસે ભરતી કરી, અને ગાયનનો જલસો પોતાના રહેઠાણની ખુલ્લી જગામાં રાખ્યો.અપૂજ શિવાલયમાં તેમનો નિવાસ હતો.

પરંતુ ચંચળ સાથે હાર્મોનિયમ વગાડનાર કોઈ જોઈએ જ. વીરાજી તો હતો નહિ; એક પાનબીડી વેચનારે હાર્મોનિયમ વગાડવાનું બીડું ઝડપ્યું; અને જોકે ચંચળને એ ફાવ્યો નહિ છતાં વીરાજીને સંભારી એના ઉપર ક્રોધ કરી એના વગર ચાલી શકે છે એમ બતાવવા ચંચળે જલસો ફળીભૂત બનાવ્યો–પોતાના ગીતનૃત્ય વડે !

પાછલી રાતે જલસો પૂરો થતાં કેટલાક લોકોએ ત્યાં જ સૂવાની તૈયારી બતાવી. પરંતુ કોણ જાણે ક્યાંથી પડછાયા સરખો વીરાજી ત્યાં સૂતેલો દેખાયો. એને જોઈ સહુએ ચાલ્યા જવાનું પસંદ કર્યું.

ચંચળના મુખ ઉપર સહજ વિજયસ્મિત ફરક્યું. પરંતુ એણે