આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૩૫
 


‘તમારે આટલી બધી પૂછપરછનું કોઈ કારણ ?’

‘કારણ તો કશું ય નહિ. આસપાસના લોકો વાતો કરે છે કે બાઈની આંખ એના જ સાથીદારે ફોડી નાખી. મારા મનમાં કે તું જ એ હોઈશ.’

‘ના, એ હું નહિ.’

‘સાચી વાત કહીશ તો સુખી થઈશ. અને તેં જે વીરાજીનું નામ લીધું ને, એ જ નામ એ ગુનેગારનું આવે છે.’

‘મારે સુખી યે થવું નથી. અને… તમે તે સાપ માર્યો, કે નાગ બની તમે મને ડસવા આવ્યા છો ?’

‘હું તો પોલીસનો માણસનો છું. વીરાજીએ તારી આંખો ફોડી નાખી એવી ચકચાર ચાલી અને તપાસમાં બધું જ ખરું નીકળ્યું. તું હવે જો ખરી વાત કહે તો બસ થઈ જાય, અને વીરાજીને ભારે સજા થાય.’

‘ક્યાં છે વીરાજી?’

‘કેદમાં સ્તો. હજી સજા થઈ નથી. પણ....’

‘એને છોડી દો. મારી આંખો એણે ફોડી જ નથી.’

‘એણે નહિ તો કોણે ફોડી ?’

‘જાય છે કે નહિ અહીંથી, રોયા ? મને ફોસલાવવા આવ્યો છે, ખરું ને ?’ કહી ચંચળે પાસે પડેલો એક પિત્તળનો પ્યાલો છૂટો ફેંક્યો, અને આખી રાત એ એકલી જ જાગતી રહી. સવારમ કોઈએ આવીને પૂછ્યું :

‘ચંચળ ! તારે આ વાજું વેચવું છે ?’

‘ના; એ મારું ન હોય. વીરાજીનું છે.’

‘વીરાજી તો ગયો. કાઢી નાખ ને હવે ?’

‘સારા પૈસા આપીશ.’

‘મારે પૈસા ન જોઈએ.’

‘ત્યારે ?’