આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : રસબિન્દુ
 


ગીત અને હાર્મોનિયમની મિલાવટ શૉખીનોની ભાષામાં બહુ ‘અચ્છી’ થઈ. ગીતના વાતાવરણને લંબાવવા બેમાંથી કોઈ થોડી વાર સુધી બોલ્યું જ નહિ.

‘તું કહે તો હું તારો સાથ કરું. આપણે… જો મને હાર્મોનિયમ આપે તો પહેલાં તું ફરતી એમ હું તને ફેરવું.’

ચંચળના મુખ ઉપર સ્મિત ફેલાયું.

‘હાર્મોનિયમ તારું જ માનજે.’ ચંચળે કહ્યું.

‘કેમ ? વગર પૈસે ?’

ચંચળની દૃષ્ટિ – બાહ્ય દૃષ્ટિ બંધ હતી છતાં અવાજ ઉપરથી હાથ લંબાવી ચંચળે પેલા પુરુષનો હાથ પકડી લીધો અને કહ્યું : ‘તારું હાર્મોનિયમ, અને તારે પૈસા આપવાના ?’

‘મને ઓળખ્યા વગર શાની હાથ પકડે છે ? હું કોણ છું ?’

‘તું ?’

‘તું વીરાજી છે. લુચ્ચા ! મને મૂકીને આમ નાસી જવાય ?’

‘અરે... પણ... તું તો દેખતી નથી ને ?’

‘ખરેખર ? ઓ ભગવાન ! મને તો લાગ્યું કે તારી આંખો બિલકુલ ગઈ.’

‘એમ જ છે. આંખે દેખતી નથી, પણ હું તને ઓળખું છું. તારા વગર મને રોટલો કોણ ખવરાવે, કોણ નવરાવે, કોણ ફેરવે અને કોણ ગવરાવે ? હવે જતો ન રહીશ. હું ક્યારની તને ઓળખી ગઈ છું.’

***

વીરાજી પકડાઈ ગયો, પરંતુ એના હૃદયમાં બીજો ઘા પડ્યો. ખાખીઓની સોબતમાં એણે થોડા વિષપ્રયોગો શીખી લીધા હતા, અને ધતૂરાના ઉપયોગમાં એણે સ્વમાન શોધ્યું. ગુરુએ બતાવેલું. ધતૂરાનું પ્રમાણ વીરાજીને હાથે વિષમ બની ગયું અને દેવતામાં નાખેલું ઝેર આંખને ક્ષણિક – આઠક દિવસની અસર કરવાને બદલે કાયમની અસર કરી ગયું. સતત ચોકી રાખતા વીરાજીએ જોયું કે