આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ક્યાં રહો છો ? આપે એવું શું કર્યું કે જેથી આપ પોતાને સ્વર્ગના અધિકારી માનો છો ?'

‘મારું નામ ન જાણે એવા સ્વર્ગમાં કોઈ સ્થળે અવ્યવસ્થા કે પક્ષપાત હોવાં જોઈએ.’ મેં તીખાશથી કહ્યું.

‘સ્વર્ગની પાત્રતાવાળા સહુની નોંધ અમારે ત્યાં રહે છે...’

‘પૃથ્વી ઉપરનાં વગદાર પત્રો સહજ વાંચતા રહો તો ખબર પડશે કે હું કોણ છું. મારા મૃત્યુ ઉપર મોટા મોટા અગ્રલેખ લખાયા છે, મારી છબીઓ હજી આવ્યા જ કરે છે, અનેક કવિતાઓ હજી લખાયે જાય છે, અનેક આશ્રિતો આંસુથી મારી સ્મૃતિને ભીંજવે છે...’

‘ઓહ ! પણ હજી અહીં કશી ખબર આવી નથી....’

‘સભાઓ ભરાઈ ઠરાવો થયે જાય છે અને ‘માયામઢૂલી’ને સરનામે...’

‘માયામઢૂલી ? એ કઈ જગા છે ?’

‘મારું પૃથ્વી ઉપરનું રહેઠાણ !’

‘કોઈ જંગલમાં છે? કે નદીકિનારે ?’

‘શહેરના સારામાં સારા ભાગમાં.’

‘સાધુ છો ? દેખાવ ઉપરથી લાગતું નથી.’

‘ના જી. હું દેખાવમાં માનતો નથી. સત્કાર્યમાં માનું છું.’

‘મઢૂલીમાં એકલા જ રહો છો કે બીજા કોઈને રાખો છો ?’

‘મઢૂલી ? એ તો ભવ્ય બંગલો છે!’ મેં જરા ચિડાઈને કહ્યું.

ફિરસ્તાની આંખમાં ચમકારો મને દેખાયો. સત્ય કહેવામાં મેં શી ભૂલ કરી હતી ? ફિરસ્તાના મુખ ઉપર સ્મિત કેમ રમવા લાગ્યું? અને એ સ્મિત મને ગમે એવું પણ ન હતું !

‘આપનું અપમાન ન થાય તો હું એક સાચી વાત આપને સમજાવું.’ ફિરસ્તાએ કહ્યું.

‘હું સર્વદા સત્યનો જ આગ્રહી છું. કહો….’

‘રહો છો મહેલમાં અને એને નામ મઢૂલી આપો છો ! એથી કોને છેતરવા માગો છો ?’