આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મને આ કથનથી જરા ખોટું લાગ્યું. હું મારા મકાનને સાદું નમ્રતાભર્યું નામ આપું તેમાં આ ફિરસ્તાને છેતરામણી શા માટે લાગવી જોઈએ?

‘પ્રશ્ન ન ગમ્યો ખરું’ ફિરસ્તાએ પૂછ્યું.

‘ના જી. હું કદી કોઈને છેતરતો જ નથી.’

‘પોતાની જાતને છેતરવાની એક ભયંકર ટેવ માનવજાતે પાડી છે. પણ જવા દો. આપને માટે પત્રોમાં અગ્રલેખ શા માટે લખાયા?’

‘હું મૃત્યુ પામ્યો માટે.’

‘આ સ્વર્ગમાં પ્રવેશ કરતા પુરુષ માટે તો કાંઈ ઉલ્લેખ આવ્યા જાણ્યા નથી. આપના મૃત્યુમાં એવું શું હતું કે જેથી આપનો ઉલ્લેખ કરવો પડ્યો ?’

ખરેખર, મને આ વાદવિવાદમાં ઊતરવું ગમ્યું નહિ. છતાં હવે સ્વર્ગને દ્વારપાળથી સાચી વાત છુપાવવામાં અર્થ ન હતો. અણગમતાં મારે પ્રશંસા કરવી જ પડી. હું શું કરું ? આ કથા કહેવા માંડી ત્યારે મને પોતાને જ આશ્ચર્ય થયું હું કેટલો બધા સારો માણસ છું!

‘મેં લાખોનાં દાન આપ્યાં છે!’

‘કેટલી કમાણીમાંથી?’

‘તમે ફિરસ્તાઓને વ્યવહારનું ભાન હોય એમ લાગતું નથી. સારી કમાણી હોય તો જ દાન થઈ શકે ને ?’

‘કહો, તમારી કમાણી કેટલી?’

‘તમે તો ફિરસ્તા છો કે આયપતવેરાના આંકણીદાર ?’

‘આનું દાન નોંધાયું છે, તમારું નહિ. કાંઈ ભૂલ થતી હોય તો સુધારી લઈએ.’

‘કમાણી તો નહિ કહું, પણ મારાં દાન સાંભળો. મહાબળેશ્વર, મસૂરી, ઉટાકામંડ અને શ્રીનગરમાં મેં આરામગૃહો બાંધ્યાં છે, જેમાં મારી સહી લઈ ઘણા ગુજરાતી દર્દીઓ મફત રહી શકે છે.’

‘ગુજરાતી દર્દીઓ ?...હાં, હાં, સમજ્યો. અને તે પણ તમારી