આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાધીન પુરુષ : ૯
 

જ્યોત્સ્નાગૌરીના અને મારા હાથમાં તેમને આસમાન જમીનનું અંતર લાગ્યું હશે જ. અને મારા આવવાથી ઝરૂખાની શાન્તિમાં ભંગ થયો હતો એમાં આજ સુધી મને શંકા આવી નથી.

ઝરૂખો ધાર્યા કરતાં પણ મોટો હતો. ખુરશીઓ મુકાય એવું છજું ત્યાં બની રહ્યું હતું.

‘હું ઘણુંખરું અહીં જ બેસું છું. આમની સૂચના બહુ જ વિચાર ભરેલી હતી. મને જોઈતાં એકાંત અને શાન્તિ આ સ્થળે જ મળે છે.’ જયંતકુમાર આરામથી બેસી બોલ્યા.

‘પણ એ ઝરૂખા ઉપર તો તમે ઝઘડો કરી ઊઠ્યા હતા !’ મારાથી રહેવાયું નહિ એટલે એ ઝઘડાની વાત મારે આગળ લાવવી પડી.

‘ઝઘડો ? કોણે કર્યો હતો ?’ જ્યોત્સ્નાગૌરી સ્થિરતાથી પૂછવા લાગ્યાં. તેમણે બટન દબાવી દીવો પ્રગટાવ્યો.

‘જયંતભાઈએ, વળી !’ મેં કહ્યું.

‘ના રે ના. એમને એકાંત તો જોઈતું જ હતું. મેં ઝરૂખો કરવા કહ્યું તે એમને ગમી ગયું. અને આ ઝરૂખો તૈયાર થયો એટલે શાન્તિ મળે છે !’ જ્યોત્સ્નાગૌરી બોલ્યાં.

શાન્તિનો સદુપયોગ થયો હતો એ તો મેં નજરે પણ જોયું હતું ! વધેલી ઉમરવાળાં કહેવાતાં પતિપત્ની પ્રેમી બની જાય તો ? જરા પણ હરકત નહિ. પ્રેમી બનતાં નથી માટે તેઓ વૃદ્ધ બની જતાં હશે !

‘વળી એ ઝરૂખામાં બહુ ઊંચી કલા અને પ્રમાણ રહેલાં છે.’ જયંતકુમારે કહ્યું અને મને ચમક થઈ આવી.

‘કેમ ચમક્યા ?’ જ્યોત્સ્નાગૌરીએ હસીને મને પૂછ્યું.

‘તમારા જેવી સ્ત્રી જરૂર મને ચમકાવે. અમારા જયંતભાઈને ઝરૂખામાં આજે કલાનો નમૂનો દેખાય છે; મને તે દિવસે મૂર્ખ ગણી કાઢ્યો હતો !’ મેં જવાબ આપ્યો.

‘તારું સૂચન બહુ વિચિત્ર હતું. તે પ્રમાણે કર્યું હોત તો ઘરનો ઘાટ બગડી જાત.’ જયંતકુમારે મારી મૂર્ખાઈ કાયમ કરી. પણ તેઓ ભૂલી ગયા હતા કે મેં તો એકે ય સૂચન કર્યું ન હતું. હું તો