આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ઠીક; મૂક મેજ ઉપર.’

‘બાકીના ૫છી આપીશ,આવતે મહિને.’

‘વારુ.’ મેં કહ્યું.

‘આજ ઊઠતાં મોડું થઈ ગયું હતું. એટલે ચાલવાને બદલે મેં ‘કાર’ માં ફરવા જવાનું નક્કી કર્યું. અડધે રસ્તે જઈ મેં શાોફરને પૂછ્યું:

‘જીવાજી ક્યાં રહે છે ?’

‘પાછળ રહ્યું એ તો. બંગલા પાસે જ એની ઝૂંપડી છે.’ શૉફરે કહ્યું.

‘મને ત્યાં લઈ જા.’ આજ્ઞા આપી.

શૉફરને જરા નવાઈ લાગી. પરંતુ એ આજ્ઞા પાળવા ટેવાયેલો હતો. જોતજોતામાં હું જીવાજીની ઝૂંપડીએ પહોંચ્યો. શૉફર પણ ગાડીમાંથી નીચે ઊતર્યો. ઝૂંપડીની ઓસરીમાં એક ફૂટ્યાતૂટ્યા ખાટલા ઉપર એક માંદી ગામડિયણ સૂઈ રહી હતી.

‘જીવાજી છે?’ મેં પૂછ્યું.

‘ના રે! એ તો એના શેઠને ઘેર મજૂરીએ ગયો છે.’ પેલી બાઈએ સૂતાં સૂતાં જવાબ આપ્યો.

‘એનો શેઠ કેવો માણસ છે? એના ઉપર જુલમ કરે છે. મારે એની નોકરી છોડાવી મારી પાસે રાખવો છે.’

‘બધા ય શેઠ એવા ! અને સારા માણસ ઉપર કોણ જુલમ નથી કરતું ? હું યે મરવા પડી ત્યારે જીવાજી યાદ આવ્યો !’ પેલી બાઈએ કહ્યું.

‘તું એની કાંઈ સગી થાય છે ?’ મેં પૂછ્યું.

‘એની બહેન થાઉં ! ગામબહેન !’ બાઈએ જવાબ આપ્યો.

‘ગામબહેન ?’

‘સાહેબ ! સગી બહેન નહિ; પણ એક જ ગામની દીકરી – એટલે ગામબહેન કહેવાય.’ મારા શૉફરે મને આ અવનવા સગપણની માહિતી આપી. મારા જ ગામની કોઈ દીકરીને મેં આ પ્રમાણે રાખી હોત ખરી ?

‘તે એની સારવાર જીવાજી કરે છે ?’ મેં પૂછ્યું.