આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન લેખક : ૧૬૫
 


‘લેખક બનું તો ?’ સનાતનના હૃદયમાં વિચાર આવ્યો. એણે મહત્તાના એક વિભાગ તરફ જોયું અને તેને લાગ્યું કે એમાં એની નજર ઠરતી હતી. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, હેમર, શેક્સપીયર, ગેટે, અરે...ગુજરાતના નરસિંહ, પ્રેમાનંદ, શામળ, અખો અને દયારામ પણ દેખાતા હતા, નહિ?

એમનામાં વીરોની હિંસા નહિ, ધનિકો જેવી લક્ષ્મીની નિરર્થકતા નહિ; ધર્મસંસ્થાપકોની વાડાબંધી નહિ; મુત્સદ્દીઓનું મૃત હૃદય નહિ. વગર યુદ્ધે વીર બનાય, ઓછી લક્ષ્મીમાં ધનવાનોના વૈભવ અનુભવાય, ધર્મોમાં રહેલી એકતા અનુભવાય, અને મુત્સદ્દીઓના મૃત હૃદય પાછળ રહેલું માનવ જીવન પણ ઓળખાય અને ઓળખાવાય. રાજાઓ કાં તો સત્તા રહિત કે કાં તો અતિ સત્તાધારી ! એ બંનેનાં દૂષણોથી રહિત બની એક લેખક વાચકોના હૃદય ઉપર સત્તા ભોગવે, અને તે જુલમ વગર. એમની અસર પણ ચિરકાલીન. રાજાઓ, મુત્સદ્દીઓ અને ધનિકો વિસારે પડે, પરંતુ મહાન લેખકો નહિ. ઇલિઝાબેથ રાણીનું નામ ન જાણનાર શેક્સપિયરનું નામ જાણે છે; પ્રેમાનંદના સમયમાં ગુજરાતનો સૂબો કોણ હતો તે આપણે યાદ કરતા નથી, માત્ર પ્રેમાનંદના નામને સંભારીએ છીએ. કંઈક ધનિકો એ એ સમયે વડોદરા, સુરત અને પૂનામાં હશે ! જનતાને પ્રેમાનંદનો ખપ છે, ધનિકોનો નહિ.

લેખકોના સ્મૃતિસ્તંભો કેટલા દીપ્તિમાન લાગે છે ! અને..

અને વર્તમાન પણ એની કદર કર્યા વગર રહેતો નથી ! એટલો ભૂતકાળ જ લેખકોનો પ્રશંસક નથી જ !

એટલે લેખક બનીને જીવતે જીવતે પણ મહત્તાનું ભાન તો થાય જ ! જેનું ભાન ન થતું હોય, જેનો અનુભવ ન થતો હોય, જેનો સ્વાદ લેવાતો ન હોય એવી માત્ર ભૂતકાલીન મહત્તા સનાતનને શાની ગમે ? કોઈને પણ ન ગમે. એટલે સનાતને પોતાને મળેલા વિશાળ વરદાનમાં નિર્લોભપણે મર્યાદા મૂકી નક્કી કર્યું કે–

‘હું મહાન લેખક થાઉં.’