આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પૈસા તો સારંગધરને ખૂબ મળ્યા. ગવૈયાઓ સામાન્ય રીતે એકાદ વિગતને પોતાની બનાવી શકે. કોઈ ધ્રુપદમાં તો કોઈ ખ્યાલમાં, કોઈ ઠુમરીમાં તો કોઈ ગઝલ કવ્વાલીમાં પ્રાવિણ્ય મેળવે. વધારે આવડત હોય તો એકાદ વાદ્ય પણ હાથ કરે – બીન, સિતાર કે તબલાં. પરંતુ સારંગધરને તો ધ્રુપદિયા પણ શોધે અને ખ્યાલિયા પણ શોધે; ઠુમરી તો ગાનારીના જ ગળામાં શોભે, છતાં કોઈ પણ ગાનારી કે કોઈ પણ કવ્વાલ સારંગધરના દરબારમાં મુજરો કર્યા વગર ભાગ્યે જ રહે. સારંગધર એ સહુને મન ફાવે તેમ બક્ષિસ આપે, જરૂર છે એમ કહેનારને સહાય આપે, ખુશ થાય ત્યાં પૈસા વેરે, નાખુશ થાય ત્યારે વધારે આગળ વધવાની ટોકણી કરી વધારે પૈસા વેરે. હિસાબ- કિતાબ કશો જ રહેતો નહિ એટલે વર્ષે કે માસ આખરે સારંગધરને તો દેવું જ દેખાવાનું. તેમનું જૂનું શેરીનું ઘર બદલાયું નહિ. સંગીતનાં પુસ્તક રચવાની, સંગીતકારોની મૂર્તિઓ અને ચિત્રો તૈયાર કરાવવાની, સંગીતસૂચક સંગ્રહસ્થાનો ઊભાં કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા ખર્ચનો બીજો ખાડો ઊભો કરતી – જોકે એમાંથી એકે ય વાત બની નહિ.

સારંગધર પરણ્યા તો હતા, પરંતુ તેમનાં પત્ની બહુ વર્ષો પહેલાં ગુજરી ગયાં હતાં. લોકોએ કહ્યું કે પત્ની છૂટી. પછી તો એમને કોઈ પણ સ્ત્રી પરણે એમ હતું જ નહિ. એમનાં વ્યસન, અવ્યવસ્થા, પૈસાની બેદરકારી અને ચાલચલગતની ખામી. સ્થિર જીવન માગતી કોઈ પણ સ્ત્રીને સારંગધર પાસે આવવા દે એમ ન હતું.

અને વધારામાં તેમનો ઉગ્ર અને વિશ્વાસ ન રાખી શકાય એ સ્વભાવ તેમના મિત્રો, વખાણનારાઓ અને શિષ્યોની સંખ્યાને ખૂબ ઘટાડી રહ્યો હતો. મોટે ભાગે તો તેઓ આનંદી, રમૂજી અને ટૉળી હતા; પરંતુ સંગીતની વાત આવતાં તેઓ ગંભીર બની જતા. સંગીતની મશ્કરી સહન કરી શકતા નહિ, અને તેમણે માનેલા સંગીતસિદ્ધાન્તો વિરુદ્ધ જરા સરખો પણ વાદવિવાદ ચલાવી લેતા નહિ. એટલે સહુ કોઈ સારંગધરને છોડતું ચાલ્યું. માત્ર જિજ્ઞાસા ? સંગીતવિષયક મુશ્કેલી સિવાય તેમની પાસે જવાનું સંગીતકારો અને