આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : રસબિન્દુ
 

સંગીતની કલ્પનાને અતિ પવિત્ર કક્ષાની બનાવતાં ન હતાં. હૃદયમાં વ્યાકુળતા વધે, મુંઝવણ થાય, માર્ગ ન જડે ત્યારે સારંગધર સૂરસૃષ્ટિ રચતા; પરંતુ તે સાથે જ તેમને પોતાનો શિષ્ય યાદ આવતો.

એ જ શિષ્ય તે બૈજનાથ. બારેક વર્ષે તે પાછો આવ્યો જાણી સારંગધરને દેહમાં વીજળી જાગી. મૃત બનતું સંગીત સજીવન થતું લાગ્યું. સંગીતમાં – નાદબ્રહ્મની ઉપાસનામાં પાપ બળી જાય છે એ બૈજનાથનું વચન સત્ય હોય છતાં બૈજનાથનું અપમાન કરી સારંગધરે સંગીતદ્રોહ કર્યો હતો એ વાત તાજી થઈ.

‘હવે ઘર બહાર જવાની શક્તિ રહી જ નથી.’ સારંગધરે કહ્યું.

‘હું પાલખી મંગાવું. અગર આપ કહો તો હું જાતે ઊંચકી જાઉં.’ બૈજનાથે કહ્યું.

સારંગધર હસ્યા અને બોલ્યા : ‘તું ઊંચકી જાય એના કરતાં બીજું રૂડું શું? તારી ખાંધ મળે તો મને મુક્તિ મળી એમ જ માનું...હવે સમય પણ...’

‘હું એ માટે નથી આવ્યો. હું તો ગુરુને જીવંત રાખી બાકીનો અભ્યાસ પૂરો કરવા આવ્યો છું. અહીં ન બને તો મારે ઘેર...’

‘આટલાં વર્ષે હવે ? રીસ ઉતારતાં બાર વર્ષ લગાડ્યાં!’

‘બાર વર્ષ નહિ, પણ બે જ દિવસમાં રીસ તો ઊતરી પરંતુ આપની આપેલી શિક્ષાને જીવનમાં ઉતારતાં બાર વર્ષ વીતી ગયાં. મુખવિકૃતિની પહેલી ટેવ ટાળતાં બાર વર્ષનાં તપ કરવાં પડ્યાં.’

‘મારી પાસે રહ્યો હોત તો બહુ વહેલાં...’

‘પરંતુ વિકૃત મુખ મટે નહિ ત્યાં સુધી આપને મુખ ન જ દેખાડવું એવી મેં પ્રતિજ્ઞા લઈ લીધી.’

‘એમ ?’

‘આપને ખાતરી કરાવવા અને આપના આશીર્વાદ મેળવવા આવ્યો છું.’