આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩ : રસબિન્દુ
 

કે કવિતાનાં મહાસર્જનો કરતાં પણ ઉત્કૃષ્ટ છે. ગીત પરાકાષ્ટાએ પહોંચ્યું. નાદબ્રહ્મનો સાક્ષાત્કાર જાણે થતો લાગ્યો. આસપાસથી આવા સંગીત સાંભળવા બેસનાર સામાન્યત : ઉદાસીન શ્રોતાઓ પણ મહાકલાનાં દર્શન કરી રહ્યાં.

સમયની થાપ વાગી અને સંગીત અટક્યું.

‘વાહ વાહ !’ સારંગધરના ઉદ્‌ગાર સંભળાયા અને મસ્ત પ્રસન્નતા અનુભવી રહેલું તેમનું શિર ભીંતે ટેકો લેવા ઢળ્યું. તેમના મુખ ઉપર પરમ સંતોષ અને પરમ આનંદની રેખાઓ ઊઘડી આવી.

‘અરે, અરે ! સારંગધર તો હાલતા નથી.’ એક શ્રોતાએ કહ્યું. બૈજનાથે હાથ લાંબો કરી સારંગધરનો શ્વાસ પારખ્યો. શ્વાસ ચાલતો જ ન હતો !

શ્રોતાઓમાં એક ડોક્ટર પણ આવી ચડ્યા હતા. તેમણે સારંગધરની નાડ પકડી. સારંગધરનો પ્રાણ ઊડી ગયો હતો. સારંગધરને પથારીમાં સુવાડી ડૉક્ટરે હૃદય તપાસ્યું; હૃદય ધડકતું ન હતું. એટલું જ નહિ, ડૉકટરને લાગ્યું કે પાંચેક મિનિટથી તેમનું હૃદય બંધ પડી ગયેલું હોવું જોઈએ.

હૃદય બંધ પડ્યા છતાં તેમનો દેહ વાદ્ય વગાડી શક્યો અને સંગીતની થતી અસર અનુભવી શક્યો એ કેમ બને? ડૉકટરને પણ એ ચમત્કારની સમજ ન પડી.

માત્ર બૈજનાથ સમજ્યો. સારંગધર સામાન્ય માનવી ન હતો. એ સંગીતયોગી–સૂરયોગી હતો.

એણે સંગીતસમાધિ લીધી હતી. મૃત્યુને પણ થોડી ક્ષણ રોકી એણે મહાસંગીતની પરાકાષ્ટા અનુભવી. જેને માટે એ ઝંખતો હતો તે સંપૂર્ણ-સૌદર્યસંપન્ન સંગીત મળતાં એણે મૃત્યુને પણ ક્ષણો સુધી થોભાવ્યું.

બૈજનાથે એ જ સ્થળે ગુરુને નામે એક સંગીત મહાવિદ્યાલય સ્થાપ્યું.