આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : રસબિંદુ
 

એવો ?’ બાળકે પૂછ્યું અને મારી પત્નીએ આવી કહ્યું :

‘શી એની સાથે લમણાઝીક કરો છો ?’

‘લમણાઝીક? તમને બાળકો કેમ ઉછેરવાં તેનું ભાન પણ નથી. આ જો, એણે શું કર્યું છે તે !’

‘પણ એ તો તમે જ કેલેન્ડર ફેંકી દેવા સૂચના કરી હતી ! ગાંધીજીની સાથે જ પછી સુભદ્રા નટીની છબી છે એ તમને ગમતું ન હતું !’ મારી પત્નીએ કહ્યું. પરંતુ મેં મારી વકીલાત છેક અફળ નહોતી બનાવી. બાળકનો ગુનો ઢાંકવા મથતી માતાને એની ભૂલ ન સમજાય તો એનું પાપ મને લાગે ! મેં સત્ય હકીકત સમજાવી.

‘કેલેન્ડર ફેંકવાનું કહ્યું હતું, ફાડવાનું નહિ.’

‘બાળકને કાંઈ સમજ પડે ? અમે ફેંક્યું અને એણે ફાડ્યું.’

‘તો એ બેકાળજીથી ફેંકનાર અને અજ્ઞાનથી ફાડનાર બંનેએ ઉપવાસ કરવા.’ એમ કહી મેં મારા કપડાં બદલ્યાં. બંને માદીકરાએ ઉપવાસ કર્યો કે નહિ તેની તપાસ કરવા જેવી હલકટ વૃત્તિ મારે દર્શાવવાની હોય જ નહિ. માનવ સ્વભાવ ઉપર મને એટલો તો વિશ્વાસ છે જ. મારા પુણ્યપ્રકોપે ઘરના આખા વાતાવરણને શાંત બનાવી દીધું.

અર્થ વગરના હાસ્ય, અગંભીર વાતો, નોકરોની ચાડીચુગલી અને સગાંવહાલાંની નિંદા તે રાત્રે બંધ થઈ ગયાં.

સવારે ઊઠતાં બરોબર વર્તમાનપત્રો વાંચ્યા સિવાય કોઈ પણ સમજદાર માણસને આજ ચાલે એમ નથી. મેં પત્ર ઉઘાડ્યું અને પ્રથમ પાને યુદ્ધના સમાચાર વાંચવા લાગ્યો. ‘પશ્ચિમનું ભયંકર યુદ્ધ પૂર્વમાં આવ્યું !’ એ મથાળું વાંચી હું જરા ચમક્યો. હિટલરની ઘેલછા અને અંગ્રેજોની કૃપણતા બંનેને દૃષ્ટિમાં રાખી મેં એ લેખ વાંચવો શરૂ કર્યો અને મારા ઉપર જ બૉમ્બ પડ્યો હોય એમ સને લાગ્યું. ગઈ કાલે વકીલોના ખંડમાં થયેલી વાતચીત અને ઉગ્રતાને