આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને ગામડે શું રહે છે તે આપણે જાણીએ છીએ. એટલે મને હારમાં મઢવાની અને દરેક હિંદવાસીએ એ હાર પહેરવાની વાત બાજુએ મૂકીએ.

પરદેશમાં તો મને કોઈ પૂછતું નથી એમ તમે મને મેણું મારો છો? હું તો બ્રિટિશ સામ્રાજ્યના પાઉંડે ટીંગાયેલો છું. પરદેશમાં તો જેવો તમારો ભાવ પુછાય તેવો મારો. તમારા સરખી સહિષ્ણુ પ્રજાને માટે હું સર્જાયો, એટલે મારે પણ સહિષ્ણુ બનવું જોઈએ ને? બહુ ઉગ્ર બનીને કરવું શું? વિલાયતને યોગ્ય લાગે તે પ્રમાણે મારો ભાવ પડે. તમારો ભાવ પણ વિલાયતીઓની અનુકૂળતા પ્રમાણે જ પડે છે ને? પચાસ વરસથી તમે બોલ બોલ કરો છો. એનું પરિણામ? જરાસંધના દેહનાં તો બે ફાડિયાં થયાં. તમારા હિંદનાં ચાર થયાં: એક હિંદુ, બીજું મુસલમાન, ત્રીજુ દેશી રાજસમૂહ અને ચોથું લઘુમતી કોમ. વચ્ચે મને મૂકી દીધો કે એ ભાગલા કાયમના જ બન્યા જાણજો...

હું અર્થશાસ્ત્રી બની ગયો એમ તમે કહો છો? હું અર્થ તો છું; શાસ્ત્ર તમારે માટે રહેવા દઈએ-પરાધીનતાને અર્થશાસ્ત્ર સાથે કાંઈ પણ લાગતું વળગતું હોય તો. એ જ જાણે આપણે સામાન્ય જીવનમાં દાખલ ન કરીએ તો વધારે સુખી થઈશું; અને સામાન્ય જીવનમાં તો હું તમારો નિત્યનો મિત્ર!

કહો, હું તમને ખાતરી કરી આપું કે માનવજાત સાથે મેં કેટલી બધી મૈત્રી સાધી છે? લાંબી વાત જવા દઈએ. હું કેમ અને ક્યારે જન્મ્યો, અને જન્મ્યા પછી મેં માનવજાતની શી શી સેવા સાધી એની સઘળી વિગતો કદાચ તમે નહિ સાંભળો. હિંદુસ્તાનમાં એ બધું સાંભળવાનો સમય ન પણ મળે. કાંઈ પણ કામ વગર કામગરા બનતાં સહુને આવડવા માંડ્યું છે એ ઉન્નતિની નિશાની છે. સમયની કિંમત છે એમ તમે કહો છો એટલે એ માન્ય કરી હું તમને મારી સેવા ટૂંકામાં સમજાવું. હું એકાદ બે માસની જ મારી વાત કરીશ,