આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપૈયાની આત્મકથા : ૫૧
 


તમારી પાસે તો હું ગઈ કાલે જ આવ્યો. સિનેમામાંથી તમે મને લઈ આવ્યા, નહિ ? તમે અને તમારા પત્ની, તમારા મિત્ર અને મિત્રનાં પત્ની, એમ ચાર જણ માટેની ટિકિટોના તમારે ચાર રૂપિયા આપવાના હતા. કેવી છટાથી તમે પાંચ રૂપિયાની નોટ ટિકિટ આપનાર તરફ ફેંકી ? પણ સાચું કહો, કાગળમાં નાણાંનો તે રૂઆબ હોય ખરો ? એ તો નિર્માલ્ય લાગે છે. ટિકિટ આપતી વખતે મને તમારે સ્વાધીન કર્યો. પણ કેવા કવિત્વમય રણકાર સાથે હું આવ્યો છું ? ચામડાના કટકામાંથી નાણાંચલણ ઉપજાવનાર પેલા મહમદ તઘલખને ઇતિહાસકારોએ ગાંડો ઠરાવ્યો છે ! કમળના ટુકડામાં ધન બતાવનાર માટે કોઈ કાંઈ કહેશે ખરું ?

પણ જવા દો એ વાત. મારે નાણાશાસ્ત્રીની પદવી ન જોઈએ. હું તો ચોખ્ખું રણકારભર્યું નાણું છું. બહુ મહત્ત્વનું કાર્ય કરી હું સિનેમાગૃહમાં દાખલ થયો હતો. પત્તાં રમતા એક જુગારીએ હારનાર પાસેથી મને પડાવ્યો; પરંતુ એ જુગારીની ઉદારતાને હું ધન્યવાદ આપું છું. જીત્યા પછી એણે ત્રણે રમનારાઓને સાથે લીધા, ચાર ચાર આનાની ટિકિટ ચારે મિત્રો માટે ખરીદી, અને તમે જોયો એ જ ખેલ જીતનાર તથા હારનારે જોયો !

નાના ગરીબ માનવીઓ ધનિકો કરતાં વધારે ઉદાર હોય છે એની મને ખાતરી થઈ. મેં મહા જુગારીઓ પણ જોયા છે, અને તેમના હાથમાં પણ હું રમ્યો છું. કપાસ, અળશી, અનાજ, લોખંડ અને ઉદ્યોગના શૅર ઉપર શરતે ચડતા કૈંક શેઠિયાઓનો મને પરિચય છે. લોકનેતા તરીકે આગળ પડેલા દાનવીર તરીકે ઓળખાતા એક સટોડિયા મહાશયે ગાંધીજીને ભેટ આપવા તૈયાર કરેલી થેલીમાં હું પડતો પડતો રહી ગયો, અને તેને બદલે એક જોશી મહારાજના હાથમાં જઈ ચડ્યો. બંગલા, કાર અને લખલૂટ વૈભવ હોવા છતાં એ મહાશય નિત્ય જોશીને બોલાવી પોતાના ગ્રહ દેખાડ્યા કરતા હતા અને બની શકે એટલી પળવિપળનો નક્શો તૈયાર કરાવતા હતા.

‘ગાંધીજીના કાળમાં પાંચસોની રકમ આપીશ તો કેટલો ફાયદો