આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તક ડૉકટર જતી કરતા નથી. તે દિવસે કારકુન પાસે કશું જ બચ્યું ન હતું. એનો પગાર આવવાને ચારેક દિવસની વાર હતી. ઉછીની રકમ લેવાનું એનું વર્તુલ હવે વધારે લંબાય એમ ન હતું. એણે સિલિકમાંથી એક રૂપિયો ઉપાડ્યો–અને એની દાનત તદ્દન શુદ્ધ હતી. લીધેલા રૂપિયાને સ્થાને પગારમાંથી આવનાર રૂપિયો મૂકવાનો દૃઢ સંકલ્પ એણે કર્યો હતો. અને આમ એ કારકુન દ્વારા હું મેવાવાળાને ઘેર પહોંચી ગયો. કારકુનનું શું થયું તે હું જાણતો નથી; પરંતુ મને લાગ્યું કે એણે પોતાની પત્નીનો જીવ બચાવવા જે કર્યું તે સારું જ કર્યું.

મેવાવાળો પત્તાંનો–પત્તાંના જુગારનો શોખીન હતો. તમારા મનમાં એમ તો અભિમાન નથી ને કે પત્તાંનો જુગાર તો એકલી પ્રતિષ્ઠિત ક્લબોમાં જ રમાય છે? એ અભિમાન હોય તો દૂર કરજો. હું સોગન ઉપર જુબાની આપવા તૈયાર છું કે કેટલી યે દુકાનો, કેટલી યે હોટલો, કેટલી યે વીશીઓ અને કેટલા યે એકલવાયા બાગ બગીચા ક્લબોની દ્યુતપ્રતિષ્ઠામાં ભાગ પડાવે એમ છે. સાધારણ ફેર એટલો જ કે ક્લબમાં દ્યુત ખેલનાર ન્યાયાધીશો, ધારાશાસ્ત્રીઓ, પોલીસ અમલદારો અને ફંડફાળામાં ઉપયોગી થઈ પડતા શેઠશાહુકાર હોવાથી તેના ઉપર કદી દરોડો પડતો નથી, જ્યારે દુકાનો અને વીશીઓમાં જુગાર રમનારાઓને પકડાવાનો ભય હોય ખરો – અને તે પણ જ્યારે કોઈ પોલીસ અમલદાર ખાસ નારાજ હોય ત્યારે તો ખરા જ.

એટલે મેવાવાળાએ મને હોડમાં મૂક્યો અને હું દ્રૌપદીની માફક જિતાઈ પરહસ્તે પડ્યો. પરંતુ મેં જુગારીઓની ઉદારતા વિષે પ્રથમ કાંઈ કહ્યું હતું, નહિ ? એ પણ એક રોમાંચક લાગણી છે હો ! એકાએક હારવું, એકાએક જીતવું ! અમારી આસપાસ એ વાતાવરણ સારું છવાયેલું હોય છે. મને જીતનાર દિલાવર દિલનો હતો. એણે ત્રણે ભિલ્લુઓને સાથે લઈ સિનેમાની ટિકિટો ખરીદી મારો સરખો ઉપભોગ કર્યો ! એણે ધાર્યું હોત તો તમારી માફક