આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટેલિફોનનું ભૂત : ૭૧
 

‘ભય અને સ્ત્રી બંનેથી હવે ટેવાવું પડશે. એ વગર બહાદુરી આવતી નથી.’

‘મેં બહાદુર બનવાનો આદર્શ સેવ્યો જ નથી.’

‘કોઈને પણ ઉપયોગી થઈ પડવાનો આદર્શ રાખ્યો છે કે નહિ?’ જરા કડક ભાવથી કાન્તાએ પૂછ્યું.

‘આદર્શ તો નહિ જ, પણ હા, મને ખાસ હરકત ન પડે તો કોઈને ઉપયોગી બનવા મથું ખરો.’

‘મને તમે વગર હરકતે ઉપયોગી થઈ પડો એમ છો.’

‘કહો, શી રીતે ?’

‘મારી સાથે લગ્ન કરીને !’

મને લાગ્યું કે સરોવરે ઊછળી મને ડુબાવી દીધો ! એટલું જ નહિ પણ મને ડૂબતાને એક મગરે પોતાની દાઢમાં પણ લીધો.

મારું ધડકતું હૃદય મને પૂછવા માંડ્યું: ‘લગ્ન કરીને કંઈ કોઈને ઉપયોગી થઈ શક્યું છે ખરું?’

‘તમે આજના યુવકો લગ્નથી ડરો છો, કેમ?’ કાન્તાનો અવાજ સંભળાયો. જાણે ટેલીફેનમાં તે બોલતી ન હોય !

પ્રથમ તો આજના યુવકો યુવકો છે ખરા ? અને આજની યુવતીને જોતાં તેમને ડર લાગે છે એમ ન માનવાનું કાંઈ કારણ?

પરંતુ યુવતીઓને કોણ ખોટું લગાડે ? મેં ખરું કારણ ન આપતાં કહ્યું : ‘જુઓ ને, કાન્તાકુમારી ! તમને અને તમારી કારને બંનેને રાખવાનું ઘર પણ મારી પાસે નથી.’

‘કારને આ તળાવમાં હડસેલી દઈશ. પછી કાંઈ?’ કાન્તાએ કહ્યું. અલબત્ત અમે શહેરથી યે એટલે દૂર આવ્યાં હતાં કે કાર વગર પાછા જવાની કલ્પનાએ મને ભયભીત તો કર્યો જ.

‘પછી ઘણું ઘણું વિચારવાનું રહે છે.’

‘કહો તે ખરાં ?’

‘મારા માતપિતા...’

‘જગતનાં કોઈ પણ માતાપિતા મને જોઈને રીઝ્યા વગર