આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટેલિફોનનું ભૂત :૭૫
 

બીજાં વીતકો કોઈને હોય તો મને જણાવજે. હું ફાવે તેટલાં લગ્ન કરવા તૈયાર છું.’

‘લુચ્ચા !’ કહી કાન્તાએ મારા બીજા ગાલમાં ચુંટી ખણી અને મારું વીરત્વ ઓસરી ગયું. મને ખાતરી થઈ કે એક લગ્ન થયા પહેલાં પણ પૂરતું છે.

કાન્તાએ સાક્ષીઓ પણ હાજર રાખ્યા હતા, અને કાન્તાના દેખાવ તથા છટાને લઈને અમલદારે અમારાં લગ્ન ઝડપથી નોંધી પણ આપ્યાં. માત્ર અમલદાર તથા સાક્ષીઓએ સહજ નિરાશા અનુભવી હોય એમ મને વચમાં વચમાં દેખાયું. કાન્તા જેવી યુવતી સાથે મારા જેવાનાં લગ્ન શક્ય થાય એવા જગતમાં કાંઈ કમનસીબ બનાવ બનતા ન હોય એવી તેમની માન્યતા તેમના મુખ ઉપરથી હું પરખી શક્યો. મારા કરતાં તેઓ કાન્તા માટે પોતાને વધારે લાયક માનતા હોવા જોઈએ. મારે એમાં તકરાર ન હતી.

સાક્ષીઓની સાથે મળી અમે એક સારી હોટલમાં નિરામિષ ખાણું પણ ખાધું, અને મને છરીકાંટા વાપરતાં આવડતા ન હોવાથી મારી મશ્કરી પણ બહુ જ કરવામાં આવી. હુ ઓછામાં ઓછું બોલ્યો. પરંતુ મારા બોલથી કાન્તા હસતી હતી અને અમારા લગ્નસાહેદો જરા ઝાંખા પડતા હતા એટલે મને લાગ્યું કે હું ધારતો હતો એટલું બધું જગત હોંશિયાર ન હતું – અગર હું મને માનતો હતા એટલો બધા બબુચક ન હતો. મને એ બાબતની પણ તકરાર નથી.

કિશોરલાલને ત્યાં મને કાન્તા પહોંચાડી પણ ગઈ, અને સાથે સાથે મને સૂચના પણ આપતી ગઈ કે મારે લગ્નની વાત તદ્દન ગુપ્ત રાખવી.

કિશોરીલાલ આજ ખૂબ આનંદમાં હતા. હું સવારે હાજરી આપી શક્યો ન હતો તે કસૂર તેમણે જોત જોતામાં માફ કરી, અને બીજે દિવસે પણ મારે ન આવતાં એક દિવસ આનંદ કરો એમ તેમણે એકદમ ખુશમિજાજમાં સૂચવ્યું.