આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાળજીપૂર્વક હું અદા કરતો હતો.તે છતાં ઘણો સમય એમનો એમ ૫સાર થતો. એટલે ત્યાં નવા બનેલા મારા મિત્રોએ મને ચેતવણી આપી કે ‘જો અહીં લાંબે ચાલશો નહિ તો તમારી તબિયત સારી રહેશે નહિ.’

ચાલવાની મને જીવનભરની ટેવ હતી. મને ખબર નહિ કે તબિચત સુધારવા સારી હવાવાળા સ્થળે જઈને પણ પાછું લાંબે ચાલવાનું નિત્યકૃત્ય અહીં પણ કરવું પડશે. છતાં તબિયત બગાડવી મને જરાય પસાય એમ ન હોવાથી મારા નવા મિત્રોને મેં વિનંતી કરી કે તેઓ જ્યારે જ્યારે બહાર નીકળે ત્યારે ત્યારે તેમણે મને સાથે રાખવો.

વિનંતીને પરિણામે મારા ઓળખીતાઓએ મારો જીવ લેવાનો જ માત્ર બાકી રાખ્યો. મારા બીમાર મિત્રની સાથે સવારમાં ચા-નાસ્તો મેં પૂરો કર્યો ન હોય એટલામાં નવા મિત્રો મને ફરવા લઈ જવા માટે હાજર થઈ જ ગયા હોય. બપોરે જમી રહ્યો ન હોઉં, એટલામાં ‘ચાલો ફરવા’ એવી આજ્ઞા કરતો એકાદ ઓળખીતો તો આવે જ આવે. તેનું નિવારણ કરી રહ્યો ન હાઉં, એટલામાં ત્રણ સાડાત્રણ વાગ્યાની ચા આવે અને એ ચા સાથે જ તંદુરસ્તીનો ભંડાર ભરવા માટે આવેલા ઓળખીતાઓનું ટોળું ‘તમે બહુ આળસુ; નીકળો બહાર !’ એમ કહેતું કંપાઉન્ડમાં બેઠું જ હોય. શરમને ખાતર, તબિયત બગડવાની બીકથી, તેમ જ હવા ખાવાના સ્થળ ઉપર ચાલ્યા જ કરવું પડે એવા પ્રકારની રૂઢિનો ભંગ કરવાની હિંમત ન હોવાથી, મારે ઓળખીતાઓની સાથે ચાલવું જ પડતું. અને ચાલવાનું તે કેટલું ? એક માઈલ નહિ, બે માઈલ નહિ , ચાર માઈલ નહિ, પરંતુ દસદસ, બારબાર માઈલ, ધાર્મિક શ્રધ્ધાપૂર્વક ઠરેલા રસ્તાઓ ઉપર ફર્યે જ જવાનું ! મને લાગ્યું કે આટલું શહેરમાં ફરવાનું રાખ્યું હોય તો જરૂર કોઈ પણ માંદા માણસની તબિચત શહેરમાં પણ સારી થવી જ જોઈએ. હવા ખાવાના સ્થળ ઉપર તબિયત સુધારવાનું રહસ્ય સ્થળની હવામાં નહિ પરંતુ ચાલ્યા