આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્યો છે. પાંત્રીશ વર્ષથી ગુર્જરસુંદરીઓએ એમાંના ઘણા રાસને પોતાને કંઠે ઉતારીને શોભાવ્યા છે, અને બીજા ઘણા નવા જે આ સંગ્રહમાં હમણાં એકત્ર બનીને પ્રગટ થાય છે, તેને પણ એવી જ રીતે ધારણ કરશે, એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ગુજરાતનો આત્મા જેમાં બોલે છે, તેના આ નવા સૂર ગુર્જરસુંદરીને જરૂર આકર્ષશે અને તેના સુમધુર કંઠને જગાડશે.

“રાસચંદ્રિકા”નો પહેલો ભાગ પ્રથમ ઇ.સ. ૧૯૨૯માં પ્રગટ થયો હતો. તેમાં ૫૧ રાસ હતા. એની બે આવૃત્તિ થઇ ગઇ છે ને ત્રીજીની રાહ જોવાતી હતી. પણ હું હવે મારાં બધાં કાવ્યોના અમુક વિભાગોવાર જ સંગ્રહ કરું છું, એટલે ભજનોના તથા રાષ્ટ્રગીતોના સંગ્રહો પછી મારા તમામ જૂના નવા રાસોનો આ એક જ સંગ્રહ પ્રગટ કરું છું.પહેલા ભાગના ૫૧ રાસ, “વિલાસિકા” થી “રાષ્ટ્રિકા” સુધીના મારા બીજા કાવ્યસંગ્રહોમાંથી ચૂંટી કાઢેલા ૪૩ રાસ, અને છેલ્લાં થોડાં વર્ષોમાં સામયિકોમાં પ્રગટ થયેલા તેમ જ અપ્રગટ રહેલા મળીને ૩૧ રાસ -એમ મળીને ૧૨૫ રાસ આ સંગ્રહમાં લીધા છે. વળી જે ગૃહજીવનમાં એ રાસ આનંદ પૂરે છે, તેના અનેક રંગને લક્ષમાં રાખીને આ ૧૨૫ રાસ બાર જુદા જુદા વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. એથી અમુક પ્રસંગ માટે અમુક રાસની ચૂંટણી સુલભ થઇ પડશે, એવી આશા છે. વળી આ બધા રાસ મારા જે જે પુસ્તકમાંથી લીધા છે તે તે પુસ્તકના નામની નોંધ પણ “અનુક્રમણિકા”માં લીધેલી છે. પુસ્તકના નામ વગરના બધા રાસ નવા છે, એટલે કોઇ પણ આગલા પુસ્તકમાં તે પ્રગટ થયેલા નથી.

મહાયુદ્ધને લીધે કાગળોની ભારે અછત અને સખત મોંઘવારી પુસ્તક પ્રકટનમાં અંતરાયરૂપ થઇ પડી છે, અને એને લીધે જ પુસ્તકોની કિંમત પણ વધારે લાગે તો નિભાવી લેવાની રસિક ગુજરાતને હું વિનંતિ કરું છું. કવિહૃદયના સાચા રક્ત જેવી વહેતી કવિતાનું મૂલ્ય રૂપિયા-આના-પાઇએ હવે નવીન ગુજરાત નહીંજ કરે. ગરબો રમવા વસ્ત્રાલંકારને ધારણ