આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પર્વોત્સવ
૧૧૧
 



વર્ષ મુબારક

♦ (*ગરબી- રાગ પ્રભાત)[૧]


આજ ઊગ્યો નવલો રે દહાડો, નવલાં વહાણાં વાયાં રે;
ધરતીમાતે બાર ઉઘાડ્યાં, પવને ગીતડાં ગાયાં રે. -

દહાડા ને મહિનાના રાજા ! હસતા હસતા આવો રે !
ધરતીનાં બાળકને કેવા કોટિક ભાવે ભાવો રે ! ૧

નવલા વાઘા સાંજ સવારે લાલમલાલ સજાવો રે,
ત્રણસેં ને પાંસઠ નયનોથી મહેર સદા વરસાવો રે ! ૨

જગઅંગે ઊજળાં ગોરાં દૂધ ચંદાનાં ચોળાવો રે,
સૂરજનાં સોનેરી જળથી નવરસિયાં નવરાવો રે ! ૩

મેલ બધા તનમના ધોઈ જીવન સ્વચ્છ બનાવો રે,
ફૂલડે ને મોતીડે ગૂંથ્યા નવવાઘા પહેરાવો રે ! ૪

થનગન કરતો ભવઘોડીલો માંડવડે છે ઊભો રે,
આશિષ દૈ તે પર બેસાડો, ઝૂકવે જીવનસૂબો રે ! ૫

સૂરજને રાખો સંગાથે, સુખતેજે સંભાળે રે;
દુખઅંધારે ચંદા તારા કર ઝાલી પથ વાળે રે ! ૬
 
દહાડા ને મહિનાના રાજા ! પ્રભુનો પંથ સધાવો રે :
વર્ષમુબારક આરંભે ત્યમ આખર પણ ઉચરાવો રે ! ૭


  1. "ક્યાં ગયો રે પેલો મોરલીવાળો અમારાં ઘૂમ્ઘટ ખોલી રે," એ મીરાંબાઈની ગરબીની ચાલ.