આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૪
રાસચંદ્રિકા
 



વિયોગ

♦ ગરબી — રાગ માઢ. ♦


નાથ પધારો આજ !
મોંઘા મારા નાથ પધારો આજ !
દૂર વસો શીદ રાજ ?
મોંઘા મારા નાથ પધારો આજ ! —

ડગમગ કરતા ડુંગર ડોલે, ડોલે સાગરનીર;
ગગને નવલખ તારક ડોલે, ડોલે અંતરધીર :
મોંઘા મારા નાથ પધારો આજ !

હૈડે રાખી પ્રેમહિંડોળે, ખૂબ લડાવ્યાં લાડ :
ઊંડા અરણ્યમાં મૂકી રવડતી, રાખો હવે શીદ આડ ?
મોંઘા મારા નાથ પધારો આજ !

સરસરતો કંઇ મેહુલો વરસે, વરસે અંધારું ઘોર :
દિનદિન નવદુખડાં વરસે ત્યાં અબળાનું શું જોર ?
મોંઘા મારા નાથ પધારો આજ !