આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિસર્જન
૨૬૭
 



નવચેતન

♦ ભાભી, તારાં નયનોમાં જોગી રમે રે. ♦


જોગી તારાં નયનોમાં સપના સરે રે,
સપનાં સરે ને મન તપના કરે રે.

આભ ભરે રંગે ને રંગે રમે રે,
રંગે રમે ને પાછો ભૂલમાં ભમે રે.

ઢોળી પ્રભાત આભતીરે હસે રે,
તીરે હસે ને તિમિરનીરે વસે રે.

સંધ્યામાં બાંધવા મઢૂલી મચે રે,
એક કોર ઊંચકે ત્યાં બીજી લચે રે.

ગહન ગાન રજનીનાં સુણવા ગમે રે,
તમરાંના પડઘામાં નાદ તો શમે રે.

ઝીણા ઝીણા તારાનાં વેણો કળે રે,
હૈયાના ભેદ નવ આભે મળે રે.

ચૂંટી ગુલાબ જુએ કાંટા પૂંઠે રે,
ઢોળી દે અમૃત ત્યાં જ્વાળા ઊઠે રે.

શીતળતા આભમાં ને ધરણી ધગે રે,
ખસતી દિગંત સદા લોચન ઠગે રે.