આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
રાસચંદ્રિકા
 


એ પળપળ પાતી પ્રેરણા, ગુણગારી રે,
જાગે સૂતી અંતરજ્યોત, ધન બલિહારી રે !
એને પગલે કાયર ઊઠતા, ગુણગારી રે,
ઊઠી શૂર પ્રકાશે પોત, ધન બલિહારી રે ! ૪

આવી નવચેતનની દેવી હો, ગુણગારી રે,
ઝીલો ઝાંઝરનાં ઝમકાર, ધન બલિહારી રે !
પૂરો આંખે એનાં સોણલાં, ગુણગારી રે,
ઊંડે અંતરના અંધાર, ધન બલિહારી રે ! ૫

આ ચતુરા આવી ચોકમાં, ગુણગારી રે,
ખેલે ગરવે ગુર્જર દેશ, ધન બલિહારી રે !
એની ધમકે ધિંગા ધૃજતા, ગુણગારી રે,
નાચે નવશક્તિને વેશ, ધન બલિહારી રે ! ૬

રસશૂરી, નવરાસેશ્વરી, ગુણગારી રે !
કરો અમ સદને ચિર વાસ, ધન બલિહારી રે !
પૂરો પ્રાણે પ્રાણે પ્રેરણા, ગુણગારી રે !
ફૂંકો ચેતન શ્વાસે શ્વાસ, ધન બલિહારી રે ! ૭