આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
૧૫
 



ગગનનો ગરબો

♦ સોનાવાટકડી રે જે કુંકુમ ઘોળ્યાં, વાલમિયા. ♦


ગગનનો ગરબો રે કે કોણે કોર્યો, સાહેલડી ?
જ્યોતિને ઝબકે રે કે ફૂલડે ફોર્યો, સાહેલડી  ? ૧

એવાં વિરાટ શાં રે કે આંગણ આંક્યા, સાહેલડી ?
કોનાં એ કામણ રે કે જોઈ જોઈ થાક્યાં, સાહેલડી ? ૨

ઊંડા આવાસમાં રે કે માજી રહેતાં, સાહેલડી,
રાસે કંઇ રમવા રે કે મન થયાં વહેતાં, સાહેલડી ! ૩

ઊંચી અટારીથી રે કે માજી ઊતર્યાં, સાહેલડી,
ગરબો ઘૂમાવતાં રે કે અમીરસભર્યાં, સાહેલડી ! ૪

ઘૂમરીની ઘેરમાં રે કે માજી તો ફર્યાં, સાહેલડી,
ડગલે ને પગલે રે કે સર્જન સર્યાં, સાહેલડી ! ૫

માજીને મુખથી રે કે દેવગંગા રેલી, સાહેલડી,
માધુરી સૂરની રે કે એવી રહી ખેલી, સાહેલડી ! ૬

માજીના બોલથી રે કે આભા આભ ઊઘડ્યાં, સાહેલડી !
ઘાડા અંધારનાં રે કે પડ પડ ઊપડ્યાં, સાહેલડી ! ૭

માજીની સોડથી રે કે સર્યું આભપાનું, સાહેલડી,
ઓજભરી આંખથી રે કે ઝર્યા કોટિ ભાનુ, સાહેલડી ! ૮