આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
રાસચંદ્રિકા
 



રળિયામણી ગુજરાત

♦ પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે. ♦


સુરકન્યા જેવી મારી ગુજરાત સોહામણી રે ,
ઢળકે અઢળક એની લક્ષ્મીના અંબાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

કોકિલકંઠી કુંજે ઝૂલે એ કોડામણી રે :
નીલમનીલી એની ઝાલરના ઝબકાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

હરિયાળી મનને હરે, વનવન ખોલે પ્રાણ :
ફૂલફૂલના ઉલ્લાસમાં લળકે જગકલ્યાણ :

વીંટે લોલવિલોલ લતા તરુને લોભામણી રે ,
એવી વીંટી ર્‌હે ભારતઉર એ નિરધાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે ! ૧