આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૪૭
નંદનવનનો મોરલો
♦ લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો. ♦
નંદનવનનો રે કે મોરલો નંદનવનનો :
મોહનજનનો રે કે મોરલો નંદનવનનો. -
પુષ્પે પુષ્પે પાંદડે નાચે જેવી વસંત,
નાચે નટવર મોરલો એવો નંદનવનમાં અનંત :
મોરલો નંદનવનનો. ૧
નીલો એનો કંઠ છે સ્વર્ગલીલાની ભોમ;
જગત બધું ઝબકારતા એની આંખોના સૂર્ય ને સોમ :
મોરલો નંદનવનનો. ૨
થનગન એના નાચનું છે સૌંદર્ય અમાપ;
વિશ્વ અનંત સમાવતો એનો ઊઘડે પિચ્છકલાપ :
મોરલો નંદનવનનો. ૩