આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
રાસચંદ્રિકા
 



વહાણું

♦ “કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે” ♦


કે વાયાં વહાણાં વસુધા આંગણે રે,
કે રવિરથ આવી ઊભો દ્વાર :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે !
કે રથના અશ્વો પાડે દાબડા રે,
કે વાદળ પર રંગધાર :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે ! ૧

કે કમળો ઊઘડ્યાં સરિત સરોવરે રે,
કે સૂરજમુખીની ઊઘડી પાંખ :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે !
કે ધણનાં છૂટ્યાં રજની દામણાં રે,
કે ચાલ્યાં સીમે માડી આંખ :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે ! ૨