આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ગંગાના જળ ઝંખ્યાં તોયે ના દીઠાં;
પાયાં દેવગંગાનાં અમી મીઠાં :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

કરુણા કરુણાળુનાં નયને ને હૈયે,
પ્રભુજીનો સ્નેહ જ્યાંથી લહિયે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

ડુબતો ઉપાડ્યો ને નાવે બેસાડ્યો,
આંસુ લૂછીને હૂંફે લાડ્યો :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

દેવોનો વહાલો ને સ્નેહીનો માળોઃ
લાખોમાં એક કો નિરાળો !
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

અરદેશર ફરામજી ખબરદાર