આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

છો કે તમારી દયા જગાવવા મેં તમને અહીં બોલાવ્યા? તમે છોડી દેશો એટલે શું હું જીવતો રહીશ? મેળાને માથે આજ શેની અનુકંપા આવી? આજ પૂર્વજની બદબોઈ થઈ એ ટાણે દયા કરવા આવ્યા ! તો નહોતું આવવું. અરે ભૂંડા, હું આપઘાત કરીશ તેના કરતાં તારે ખડગે વઢાવું શું ખોટું છે? પણ હું જાણું છું, તેં કુળલાજનાં બિરદ જોયાં નથી. તું તો ભાભીની સોડમાં સૂવાનું જ સમજે છે. તારા હાથમાં તલવાર ન હોય, બલોયાં હોય.”

કરણસંગની તલવાર પડી. મેળાનું માથું લીધું. માથા ઉપર રેશમ જેવો લાંબો ચોટલો હતો તે ઝાલીને કરણસંગ ઈડરની બજાર સોંસરવો થઈને ચાલ્યો. ચાલતો ચાલતો પોકારતો ગયો કે “ઈડરના ધણીને કહેજો કે હું કરણસંગ, ભાતખાઉ સાણંદિયો; મેળાજીનું માથું વાઢીને જાઉં છું.”

ઈડર ખળભળી ઊઠયું, મેળાજીનું ધડ લોહીમાં તરબોળ દીઠું. હાહાકાર મચી ગયો. અજવાળી રાતમાં ઈડરિયા ઘોડા છૂટ્યા. ભાલાળા પટાવતોએ પહાડોની ખીણના પથ્થર ઢૂંઢ્યા, પણ સાણંદિયો હાથ લાગ્યો નહિ.

વૈશાખ મહિનાના ઊના વાયરા વાય છે. આસમાનમાંથી સૂરજનાં સળગતાં ભાલાં વરસે છે. એવે વખતે વગડાનાં ઝાંઝવાને નદીસરોવર સમજીને પોતાનો ડુંગર જેવડો ઘોડો દોડાવતો એક અસવાર આવી પહોંચ્યો. ચહેરાની ચામડી શેકાઈને કાળી પડી છે. આંખે અંધારાં ઊતર્યા છે. અંગ ઉપર માટીના થર ચડ્યા છે. પોતે બહુ હાંફે છે અને ઘોડાંના મોંમાંથી ફીણ વહ્યાં જાય છે. પચીસ વરસ ની જુવાન પનિહારી કૂવે બેડું સીંચતી હતી, તેનો ફડકે શ્વાસ ગયો. બેબાકળી એ હેલ્ય ચડાવવા મંડી. ત્યાં તો નજીક આવીને ઘોડેસવારે