આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

શું છે તે ઘરણ ટાણે સાપ કાઢ્યો છે?”

“બાપુ,” ચાકરે ધરતીઢાળું જોઈને જવાબ દીધો. “ઠાકોરને રણવાસ સાંભર્યો છે. આખી રાત ઊંઘતા નથી.”

“એમ? આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભર્યો !” આટલું બેલીને ભા’ ખડખડ હસવા મંડ્યા.

"જાવા દો, ભલે આંટો મારી આવે. બીજું કાંઈ કામ હોત તો હું ના પાડત. પણ આ બાબતમાં તો... અમેય એક દી જુવાન હતા.”

પચાસ વરસની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ ભા’ દેવાણી વહેલે પરોઢિયે ઠાકોર આતાભાઈને વળાવવા ગયા. આતાભાઈની ધરતી ખોતરવા મંડી. ભા’ના મોં સામે એનાથી મીટ મંડાણી નહિ. ગાલે શરમના શેરડા પડી ગયા. ભા’ ફકત એટલું જ બોલ્યા :

“જોજો, હો ઠાકોર ! બે ઉપર ત્રીજી રાત થાય નહિ. આમ જુઓ, નૂરુદ્દીનની જંજાળ્યોના ચંભા છૂટે છે.”

ઘૂમતા પારેવાના જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અજવાળે ચમકવા મંડી. એણે જવાબ ન વાળ્યો. ભા’ને રામ રામ કરીને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી.

વણાવાળાં ઠકરાણીની મેડીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી ગઈ છે. રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પુરાઈ ગયો છે. ક્યાં તળાજું ! ક્યાં ભા’ દેવાણી ! ક્યાં લડાઈ ! ક્યાં કોલ ! ક્યાં લાજ-આબરૂ ! કાંઈયે આતાભાઈને યાદ ન રહ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ : એમ દિવસ પછી દિવસ ઊગી ઊગીને આથમવા મંડ્યા.

અહીં ભા’ દેવાણી આંખો ખેંચી ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે. ધણી વિનાની ફોજ કાયર બનીને