આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સેનાપતિ
૧૦૫
 

ભરીને અફીણ ગટગટાવી ગયાં. પાંચ ઘડી ભા’ની આગળ પ્રાણ છાંડ્યા. અને ભા’એ પણ બે હાથ જોડીને સહુને રામ રામ કરતાં કરતાં દેહનું પીંજરું છોડી દીધું.

બેઉ જણાંની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે.

*

એક દિવસ કોઈક કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખ રાતી થઈ છે. દુભાઈને દેવાણી કુટુંબ રિસામણે જાય છે. ઉચાળા ભરીને બાયડી, છોકરાં, મરદ હાલી નીકળ્યાં છે.

વણાવાળાં રાણીને ખબર પડી. એણે હુકમ કર્યો: “મારું વેલડું જોડો.”

રાણીજી હાલી નીકળ્યાં. દેવાણીઓના ઉચાળાને આંબી લીધો. ત્યાં તો વાંસે દોડાદોડ થઈ રહી. રાણીએ જવાબ દીધો:

“મારા દીકરા જાય, ને હું કોની પાસે રહું?”

મનામણાં કરીને આખા દેવાણી-દાયરાને ઠાકોરે પાછો વાળ્યો.