આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુશ્મનોની ખાનદાની
૧૨૫
 

 રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછેડી ઓઢાડીને ભોકો વાળો વળી નીકળ્યો.

ધીંગાણું પૂરું થયે રામો ખાચર આવી પહોંચ્યા. જુએ ત્યાં લોથોના ઢગલા પડેલા. માથે ગરજાં ઊડે છે. પાંચ-પાંચ દસ-દસને ભેળા ખડકીને સામટા અગ્નિદાહ દીધા.

દાયરો ઝંખવાણો પડી ગયો હતો. રામો ખાચર બોલે છે : “એક જણો જઈને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમેય આવીએ છીએ. એક તારો કાઠી ને એક મારો કાઠી : એમ સામસામો સરખો સંગ્રામ રમે. છેવટે તું અને હું બેમાંથી જે મરે એનાં દેન બેય દાયરા ભેળા બેસીને દે. સાચા મરદ હોય તે તો એ રીતે રણ ખેલે.”

ભોકા વાળાએ કાગળનો જવાબ વાળ્યો: “ભા, તમે ઘડપણના રે’વો દેજો. ફેરવણીમાં ઘસાઈ જાશો. અમે જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ.”

“કાઠિયાણી !” રામા ખાચરે આઈને બોલાવ્યાં. "કાઠિયાણી, હવે જીવતરના ભરોસા ઓછા છે. આ વખત ભોકાની સાથે મોતનો મામલો મચવાનો છે. પાછા વળાશે નહિ.”

“તે તમારી શી મરજી છે?”

“બીજી તો કાંઈ નહિ, પણ ગીગીનો વિવા પતાવી લેવાની. તમે જાણો છો? મરણ પરણને ઠેલતું આવે છે."

“બહુ સારું, કાઠી, જેવી તમારી મરજી.” કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી. માંડછાંડ, ગારગોરમટી અને ભરતગૂંથણના આદર કરી દીધા.

ગીગીનાં બલોયાં ઉતરાવવાં છે. તે દિવસમાં હળવદ શહેરની દોમદોમ સાહેબી. હળવદના મણિયારો જેવા ચૂડલા પાંચાળનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહિ. હળવદમાં આપણા