આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ગામના શેઠ છે, ત્યાં પરમાણું મોકલી આપો. અસલ હાથીદાંતનાં બલોયાં ઉતરાવીને મોકલાવી દેશે.

મોતીચંદ મૂળ તો ચોટીલાનો વાણિયો; પણ હળવદમાં એનો વેપાર ચાલે છે. પાસે બે પૈસાનો જીવ થઈ ગયેલો. રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે. પરમાણા પ્રમાણે બલોયાંની જોડ ઉતરાવીને એણે મોકલી. બહેન પહેરવા મંડ્યાં, પણ બલોયાં હાથે ચડ્યાં નહિ. દોરાવા સાંકડાં પડ્યાં. બીજે દિવસ માણસો જઈને બે બીજાં બલોયાં ઉતરાવી લાવ્યાં, પણ ત્યાં તો વળી દેરાવા મોટાં થયાં.

હળવદથી શેઠે કહેરાવ્યું, “બે’નને જ અહીં તેડી લાવો. ઢાંઢા ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપનાં બલોયાં ચડાવી લેવાશે. સાંજ ટાણે પાછાં ચોટીલાં ભેળાં થઈ જાશે.”

વેલડું જોડીને કન્યા હળવદ ચાલી. સાથે પાંચ હથિયારબંધ કાઠીઓ લીધા છે.

મોતીચંદ શેઠને ફળિયે વેલડું છોડીને બાઈ સામી જ બજારે મણિયારાનું હાટડું હતું, ત્યાં બેસીને બલોયાં ઉતરાવવા મંડ્યાં.

હાટડાની દીવાલે દીવાલે હાથીદાંતના ચૂડલા લટકે છે, કસૂંબલ રંગની ઝાંય આખા ઓરડામાં છવાઈ રહી છે. એની વચ્ચે બેઠી છે જુવાન કાઠી-કન્યા. એના દેહની ચંપકવરણી કાન્તિ જાણે રંગની છોળોમાં નાહી રહી છે. તૈયાર થયેલાં બલોયાં પહેરીને ઊઠવા જાય છે, ત્યાં તો ઓચિંતી કન્યા ઝબકી ઊઠી. એના ઉપર જાણે કોઈ ઓછાયો પડ્યો. મુખ રાતુંચોળ થઈ ગયું : “ઊઠો ઊઠો !” એનાથી બોલાઈ ગયું.

“શું થયું? બાને શું થયું? કેમ ગભરાઈ ગયાં” માણસો પૂછપરછ કરવા મંડ્યાં. બાઈ બોલીઃ “ઝટ ઊઠો, વેલડું જોડાવો.”