આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુશ્મનોની ખાનદાની
૧૨૭
 


લોકોએ હાટમાંથી બહાર નીકળીને જોયું, સમજ પડી ગઈ. હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યા જાય છે. ડોક ફેરવીને પાછું વાળીને જોતો જાય છે.

“શેઠ, ઓરા આવજો !” દરબારે મોતીચંદને હાટડીએ ઘોડો થંભાવીને હસતે મુખે શેઠને એકાંતે બોલાવ્યા.

હાથ જોડીને મોતીચંદ શેઠે હડી કાઢી. જઈને કહ્યું: “ફરમાવો, અન્નદાતા !”

“મોતીચંદ શેઠ !” દરબારે કરડી આંખ કરીને ઠંડો દમ દીધો, “મે’માન અમારાં છે. ગઢમાં માંડ્યું કરાવવી છે, માટે રોકવાં છે; જાશે તો તમારી પાસેથી લેશું ! રેઢાં મેલશો મા !”

એટલું બોલીને દરબારે ઘોડો હાંક્યો. મોતીચંદ શેઠ બાઘેલા જેવા ઘેર ગયા.

“મોતીચંદ મામા !” કાઠીની દીકરી બોલી, “હવે અમને ઝટ ઘર ભેળાં થાવા દો. મને અહીં અસુખ થાય છે.”

“બેન બા ! ભાણી બા ! બેટા ! હવે કાઠિયાણી બની જાવ. હવે વેલડું બહાર નીકળે નહિ, કાળ ઊભો થયો છે. અને એમ થાય તે દી મારે સોમલની વાટકી જેટલો આ સંસારમાં સવાદ રહે. માટે હવે તો આ ડેલીમાં બેસી રહો, બાપ ! આ બાયડી, છોકરાં અને છેલ્લો હું — એટલાં જીવતાં બેઠેલ છીએ ત્યાં સુધી તમારું રૂંવાડુંય ન ફરકે.”

દરવાનને એણે આજ્ઞા દીધી: “ડેલી બંધ કરો, તાળાં મારી દ્યો.”

ડેલીનાં બારણાં બંધ થયાં, અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો.

“આ તે શું કહેવાય? રામની મઢીએ કાગડા ઊડે એમ ચોટીલું ઉજ્જડ કાં કળાય ?”