આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



અણનમ માથાં

સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા હતા.

બે નહિ, ચાર નહિ, પણ બાર ભાઈબંધનું જૂથ. બારે અંતર એકબીજાને આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો. બાર બોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.

સૂરજ-ચંદ્રની સાખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામડાંનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ : જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે : જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે : દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે: એવા અણનમ કહેવાતા વીસળ રાબાએ વાત ઉચ્ચારી :

"ભાઈ ધાનરવ ! ભાઈ સાજણ ! ભાઈ નાગાજણ ! રવિયા ! લખમણ ! તેજરવ ! ખીમરવ ! આલગા ! પાલા ! વેરસલ ! અને કેશવગર ! સાંભળો.”

"બોલો, વીહળભા !” એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા.