આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

 ઓ માતા, નીરોગી માનવોની તો વાત દૂર રહી, પણ કોઢિયાં કે પાંગળાંય જે તારા ઘાટ પર આવીને તારું નીર ચાખે, તો તેવાં માનવીઓનાં પણ ભાગ્ય ઊઘડી જાય છે, ત્યારે મારા સરીખા નિષ્પાપની આવી ગતિ કાં, જનની ?

ઉઘાડે જઈને ઊંડે, જળમાં આંખ્યું જે,
તેનો વંશ તેડે, વૈકુંઠ મૂકે વણારસી.

વળી સાંભળ્યું છે, માતા, કે તારા પ્રવાહમાં ડૂબકી મારીને જે માનવી આંખો ઉઘાડે, તેને એકને તો શું પણ તેના આખા વંશને તું વૈકુંઠમાં તેડી જાય છે. દેવી !

ગાતા ચારણનો રુધિરની ધારાઓમાં ભીંજાયેલો દેહ મિનારા પર ઊભો ઊભો આથમતા તેજમાં ભાગીરથી માતાની કીર્તિના જાપ એક પછી એક ઉચ્ચારતો જાય છે. મેદની આખી આ માનવીના લલકારને સમજ્યે-વગરસમજ્યે ઝીલી રહી છે પણ એના શરીરે લોહી શેનું વહી રહ્યું છે? એણે ચલાવ્યું —

પાગે જો તળિયું પડે, જાહ્‌નવી દશ જાતે,
(એને) પરિયું પીંગલું કરે, વાસર ઢોળે વણારસી.

માતા, તારી દિશામાં ચાલતાં ચાલતાં જેના પગની પાનીઓ તળાઈ જાય છે, એવા માનવીને તો અમરાપુરીની અંદર અપ્સરાઓ પગચંપી કરી, પવન ઢોળવા તૈયાર ઊભી છે. પણ મારો તે શો ઈલાજ ! તારા ધામ સામે હું શી રીતે ડગલું દઉં? બોલો, માડી, હોંકારો આપો.

મિનારો ઝૂલવા લાગ્યો. પ્રાર્થનાના સૂર ખેંચાવા લાગ્યા :

જાતલનાં અઘ જાય, જાતલ ને જુવાતલ તણાં,
પાણી પણગામાં માંય, થે વૈકુંઠ વણારસી.

માડી, તું કેટલી પ્રબળ પાપહારિણી ! કેટલી સમર્થ તું ! તારા ધામમાં આવીને જાત્રા કરી જનારાઓનાં તો પાપ જાય, પણ એ જાત્રાળુઓને જોવા જનારાઓ સુધ્ધાંયે, તારા નીરનું એક ટીપું પામતાં જ વૈકુંઠ પહોંચી જાય છે. મા, મારી ઓધારણ તું નહિ થા, તો હું કોનું શરણ શોધીશ ?