આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

 રે માતા, તારા નીરમાં નાહનાર, તારું એક બિંદુ પણ પામનાર, કે તારા પંથે પળનાર માનવીની તો શી વાત કરું ? હાડકાનો એક ટુકડો પહોંચાડીનેય ભૂતયોનિમાંથી ઊગરી જવાય. એટલેથી પણ તારો મહિમા ક્યાં સમેટાઈ જાય છે ? તારા ઉપર થઈને તો આ આભમાં ઊડનારાં પંખીઓ પણ, માત્ર તેની છાયા તારા પ્રવાહ પર પડવાથી જ પાવન બની જાય એ તારા પુણ્યનો પ્રતા૫ છે. ને તેમાંથી હું જ બાતલ રહી જઈશ ?

ભાગીરથરે ભાગ્ય, ગરવરસે આઈ ગંગા,
નરલોક, સુરલોક નાગ, તારેવા ત્રણે ભવન.

માનવલોક, દેવલોક અને નાગલોક : આકાશ, પૃથ્વી અને પાતાળ : એ ત્રણે દુનિયાઓને તારવા તું સ્વર્ગના કોઈ પહાડમાંથી રાજા ભગીરથની બોલાવી ચાલી આવી; અને શું મારાં જ મંદ ભાગ્ય, માડી ? હું તો તને પડવા નહિ, ચડવા બોલાવું છું,.

પાસે સર ઊભો પિતા, હર સારીખો હોય,
(પણ) મા વણ મરીએ તોય, તું વેગળીએ વણારસી.

આજે મૃત્યુ-કાળે, ભલે ને પ્રભુ જેવો પિતા મારી પાસે આવીને ઊભો હોય પણ તું જો આઘેરી બેઠી હો, તો તો જાણે કે જનેતા-વિહોણા ગૂરી ઝૂરીને મરવા જેવી મનમાં વેદના રહી જાશે. માટે, હે માતા, આવો ! આવો ! આવો !

મોડો આયો માય, ત ભેગો ઈ જ તારિયો,
પડિયો રેશું પાય, ભાટો થઈ ભાગીરથી.

ઓ માતા, આજ હું મોડો મોડો તારે શરણે આવું છું. તું તો મોડા આવનારાઓને તત્કાળ તારનારી છે. પણ મને તું કદાપિ તારીશ નહિ તોયે શું? મને ભલે તારા સ્પર્શ સ્વર્ગે ન મળે. હું તો તારા ચરણે એક નિર્જીવ પથ્થર બનીને પણ સુખેથી પડ્યો રહીશ.

એટલું કહીને રાજદે ચારણે કમર પરથી ભેટ છોડી. સૌ તાજુબ બનીને જોઈ રહ્યા. ચારણ પોતાના પેટમાં કટાર ભોંકીને પછી જ બાંગ દેવા આવ્યો હતો.

એ જ ટાણે ધરતીમાંથી મારગ કરીને નદીજળ ઊછળ્યાં,